ગુજરાત ટાઈટન્સનો સતત બીજો વિજયઃ ચેન્નઇનો સતત ત્રણ મેચમાં પરાજય

Friday 08th April 2022 07:22 EDT
 
 

પૂણે: આઇપીએલમાં આગમન સાથે જ ગુજરાત ટાઇટન્સે વિજયપતાકા લહેરાવ્યા છે. પહેલી જ વખત ટૂર્નામેન્ટમાં ઉતરેલી આ ટીમનું સુકાન એક ગુજરાતી હાર્દિક પંડ્યાએ સંભાળ્યું છે. અને તેના નેતૃત્વમાં ટીમે સતત બીજા મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. બીજી તરફ, બીજા ક્રમે સૌથી વધુ વખત આઇપીએલ ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નઇ સુપરકિંગ્સનો સતત ત્રીજા મેચમાં પરાજય થયો છે. આ ટીમનું સુકાન પણ એક તેજતર્રાર ગુજરાતી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સંભાળી રહ્યો છે.
શનિવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રનથી પરાજ્ય આપ્યો હતો. આ ટીમે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવી હતી. ગુજરાત ટાઈટન્સે ગીલના 46 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 84 રન તેમજ કેપ્ટન હાર્દિક પંડ્યાના 27 બોલમાં 31 રનની મદદથી 20 ઓવરોમાં 6 વિકેટે 171 રનનો સ્કોર કર્યો હતો. મુસ્તફિઝુર રહેમાને 23 રનમાં 3 અને ખલીલ અહેમદે 2 વિકેટ ઝડપી હતી. 172 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરોમાં 9 વિકેટે 157 રન કર્યા હતા. કેપ્ટન પંતના 43 રનને બાદ કરતા અન્ય બેટ્સમેનો નિસ્તેજ રહ્યા હતા. ફર્ગ્યુસને 28 રનમાં 4 અને અને શમીએ 30 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
અગાઉ ઓપનર શુભમ ગીલે 182.60ના સ્ટ્રાઈક રેટ સાથે 84 રન છ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ફટકારતાં ગુજરાત ટાઈટન્સનો આટલો સ્કોર શક્ય બન્યો હતો. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 31 રન કર્યા પણ તે સેટ થઈ ગયા પછી તેને મોટી ઈનિંગમાં રૂપાંતરિત કરી નહોતો શક્યો. શાર્દુલ ઠાકુર 42 રન આપીને તેમજ અક્ષર પટેલ 37 રન આપી વિકેટ લીધા વગર પ્રભાવહીન રહ્યા હતા.
પહેલી વખત ચેન્નઇ સતત 3 મેચ હાર્યું
રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નઇનો 54 રને પરાજય થયો હતો. ટોસ હાર્યા પછી પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 180 રન કર્યા હતા. જવાબમાં ચેન્નઈની ટીમ 18 ઓવરમાં 126ના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. આઇપીએલના ઈતિહાસમાં પહેલી વાર ચેન્નઈનો સતત ત્રીજી મેચમાં આ પરાજય છે. ચેન્નઈને મુશ્કેલીમાંથી બહાર લાવવા શિવમ દુબેએ 26 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તો છઠ્ઠી વિકેટ માટે મહેન્દ્ર સિંહ ધોની સાથે 46 બોલમાં 62 રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે તેમની જોડી ટીમને વિજય અપાવી શકી નહોતી. રવીન્દ્ર જાડેજાના નેતૃત્વ હેઠળની ટીમના સતત નબળા પ્રદર્શનથી ક્રિકેટ નિષ્ણાતો એવો મત વ્યક્ત કરી રહ્યા છે આક્રમક ઓલરાઉન્ડરની ઓળખ ધરાવતા જાડેજાની અસલ રમત કેપ્ટનશીપના બોજ હેઠળ દબાઇ ગઇ છે. ચેન્નઇને ટૂર્નામેન્ટમાં પરત ફરવા માટે ધમાકેદાર વિજયની જરૂર છે.
લખનઉ ટીમનું ઓલરાઉન્ડ પ્રદર્શન
સુકાની લોકેશ રાહુલ અને દીપક હૂડાની અડધી સદી બાદ જેસન હોલ્ડર અને અવેશ ખાને સંયુક્ત રીતે ઝડપેલી સાત વિકેટની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે સોમવારે રમાયેલી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 12 રનથી પરાજય આપ્યો હતો. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનઉની ટીમે સાત વિકેટે 169 રન કર્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદની ટીમ નવ વિકેટે 157 રન નોંધાવી શકી હતી. રનચેઝ કરનાર હૈદરાબાદની ઇનિંગમાં રાહુલ ત્રિપાઠીના 30 બોલમાં 44 તથા નિકોલસ પૂરનના 24 રનમાં 34 રન મુખ્ય રહ્યા હતા. લખનઉ તરફથી જેસન હોલ્ડરે 34 રનમાં ત્રણ તથા અવેશ ખાને 24 રનમાં ચાર વિકેટ હાંસલ કરી હતી. હૈદરાબાદે 14મી ઓવરમાં 95 રનના સ્કોરે 4 વિકેટ ગુમાવી દેતાં મેચ ધીમે ધીમે તેના હાથમાંથી સરકી ગઈ હતી.
બ્રાવોની IPLમાં સૌથી વધુ વિકેટ
મુંબઈ, તા. ચેન્નઈ સુપર કિંગ્સના ઓલ રાઉન્ડર ડ્વેન બ્રાવોએ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો છે. ૩૧ માર્ચે લખનૌ સામેની મેચમાં તેણે દીપક હુડાને આઉટ કરીને આઈપીએલમાં 171મી વિકેટ ઝડપી નવો કિર્તિમાન સ્થાપ્યો હતો. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના પ્લેયર લસિથ મલિંગાના નામે આઈપીએલમાં સૌથી વધુ 170 વિકેટનો રેકોર્ડ હતો. બ્રાવોને લખનૌ સામેની 18મી ઓવરમાં હુડાની વિકેટ મળતાં તેણે મલિંગાનો રેકોર્ડ તોડ્યો હતો ને આઈપીએલમાં હાઈએસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. અગાઉ મોઈન અલીએ ક્વિન્ટ ડી કોકનો કેચ છોડ્યો ના હોત તો બ્રાવોને આ તક વહેલી મળી હોત. ડ્વેન બ્રાવોએ 153 આઈપીએલમાં મેચમાં 171 વિકેટ ઝડપી છે. જ્યારે મલિંગાએ 122 મેચમાં 170 વિકેટ ઝડપી હતી. યોગાનુયોગ બ્રાવોનું આઈપીએલમાં આગમન પણ ઈજાગ્રસ્ત મલિંગાના સ્થાને જ થયું હતું. 2008માં આઈપીએલની પ્રથમ આવૃત્તિમાં મલિંગાને ઈજા થતાં તેના સ્થાને બ્રાવોને તક આપવામાં આવી હતી. બ્રાવો અને મલિંગા બાદ સૌથી વધુ વિકેટ મેળવનાર ખેલાડીઓમાં અમિત મિશ્રા (166), પિયૂષ ચાવલા (157) અને હરભજન સિંહ (150)નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter