ગુજરાતનો સ્મિત પટેલ હવે અમેરિકા માટે ક્રિકેટ રમશે

Saturday 12th June 2021 11:09 EDT
 
 

અમદાવાદઃ ભારતની અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય એવા યુવા ક્રિકેટર સ્મિત પટેલે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. સ્મિતે માત્ર ૨૮ વર્ષની વયે સંન્યાસ લેવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તે ભારત બહારની ક્રિકેટ લીગમાં ભાગ લઈ શકે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નો નિયમ એવો છે કે કોઈ પણ ભારતીય ક્રિકેટર સંન્યાસ લીધા વિના વિદેશી ક્રિકેટ લીગ રમી શકે નહીં. ઉલ્લેખનીય છે કે સ્મિત પટેલ હવે અમેરિકામાં પોતાની કારકીર્દિ બનાવવા માગે છે.
અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન સ્મિત પટેલ હવે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં પુનરાગમન કરવા માટે તૈયાર છે. સ્મિત પટેલ આ વખતે સીપીએલમાં બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. સીપીએલની શરૂઆત આગામી ૨૮ ઓગસ્ટથી થઇ રહી છે. જ્યારે ફાઈનલ ૧૯ સપ્ટેમ્બરના રોજ રમાશે. તમામ મેચ સેન્ટ કિટ્સ અને નેવિસ ખાતે રમાશે.
ઘરેલુ ક્રિકેટમાં તાજેતરમાં ગુજરાત, ગોવા અને ત્રિપુરા પછી બરોડા ટીમ તરફથી રમનાર સ્મિતે અત્યાર સુધીમાં ૨૮ ટી-૨૦ મેચોમાં ચાર ફિફ્ટી સહિત ૭૦૮ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ૨૪ વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે ૫૫ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૩૦૦૦થી વધુ રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં અંડર-૧૯ ભારતીય ટીમે ટાઉન્સવિલેમાં વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે સ્મિત પટેલ ટીમ ઇંડિયાનો એક ભાગ હતો. ફાઇનલમાં સ્મિત પટેલે કેપ્ટન ઉન્મુક્ત ચંદ સાથે સદીની ભાગીદારી કરીને ભારતને વિજય અપાવ્યો હતો. ભારતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને અંડર-૧૯ વર્લ્ડ કપનો ખિતાબ મેળવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter