ચાર એશિયન ટીમ પ્રથમ વાર ક્વાર્ટરમાં

Wednesday 18th March 2015 06:34 EDT
 
 

ઓકલેન્ડઃ વર્લ્ડ કપમાં પાકિસ્તાને આયર્લેન્ડને પરાજય આપ્યો તે સાથે જ ક્વાર્ટર ફાઇનલની આઠ ટીમો નક્કી થઈ ગઈ છે. જેમાં પ્રથમ વખત એશિયાની ચાર ટીમો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે. ટુર્નામેન્ટનું ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ બુધવારથી શરૂ થઇ રહ્યું છે.
ક્વાર્ટર ફાઇનલમાં આઠ ટીમો પૈકી ગ્રૂપ-એમાં ક્વાર્ટર ફાઇનલની ચારેય ટીમો નક્કી થઈ ગઈ હતી જ્યારે ગ્રૂપ-બીમાં ભારત અને સાઉથ આફ્રિકાએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જોકે અન્ય બે સ્થાન માટે પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે રસાકસી જામી હતી. પાકિસ્તાન અને આયર્લેન્ડ છ-છ પોઇન્ટ ધરાવતા હતા જ્યારે વેસ્ટ ઇન્ડિઝે યુએઈને પરાજય આપતાં તેના પણ છ પોઇન્ટ થઈ ગયા હતા. આ ઉપરાંત તેણે પાકિસ્તાન અને આયર્લેન્ડ કરતાં પોતાની રનરેટ સુધારી હતી. આથી અંતિમ મેચમાં પાકિસ્તાન અને આયર્લેન્ડ બંનેમાંથી જે હારે તે બહાર થવાનું હતું. જો આયર્લેન્ડ અને પાકિસ્તાનની મેચ ટાઈ થઇ હોત કે વરસાદ પડ્યો હોત તો વિન્ડીઝ બહાર થાય તેમ હતું. પાકિસ્તાને આયર્લેન્ડને પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. આ હાર સાથે આયર્લેન્ડના છ પોઇન્ટ થયા હતા અને તે વેસ્ટ ઇન્ડિઝ સાથે છ પોઇન્ટ ધરાવતું હતું. જોકે વેસ્ટ ઇન્ડિઝ રનરેટના આધારે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું.
ગ્રૂપ-એમાં ન્યૂ ઝીલેન્ડે પોતાની તમામ મેચ જીતી લઈને ૧૨ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયા નવ પોઇન્ટ સાથે બીજા અને શ્રીલંકા આઠ પોઇન્ટ સાથે ત્રીજા નંબરે રહ્યું હતું. ચોથા નંબરે રહેલી બાંગ્લાદેશે ઇંગ્લેન્ડને હરાવી ઊલટફેર કરવાની સાથે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ગ્રૂપ-બીમાં ભારતે પોતાના તમામ મુકાબલા જીતી લીધા હોવાથી ૧૨ પોઇન્ટ સાથે પ્રથમ નંબરે રહી હતી જ્યારે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન બંનેના ૮-૮ પોઇન્ટ હતા, પરંતુ નેટ રનરેટના આધારે આફ્રિકા બીજા નંબરે જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને રહ્યું હતું જ્યારે વિન્ડીઝ છ પોઇન્ટ સાથે ચોથા નંબરે રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter