ચેતેશ્વર પૂજારા બેવડી સદી ચૂક્યો, પણ ૯૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો

Saturday 05th January 2019 05:54 EST
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારા ભલે બેવડી સદી ફટકારવાનું ચૂકી ગયો હોય, પરંતુ તેણે ૯૦ વર્ષ જૂના રેકોર્ડને તોડયો છે. પૂજારાએ આ ઇનિંગમાં ૩૭૩ બોલનો સામનો કરી ૧૯૩ રન કર્યા છે. આ સાથે ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાર મેચ કે તેનાથી ઓછી મેચની સિરીઝમાં સૌથી વધુ બોલ રમનાર ખેલાડી બની ગયો છે. પૂજારાએ આ પ્રવાસમાં અત્યાર સુધી ૧,૨૫૮ બોલ રમ્યા છે. ચેતેશ્વર પૂજારાએ ઇંગ્લેન્ડના હર્બટ સટક્લિફનો રેકોર્ડ તોડયો હતો, જેમણે ૧૯૨૮માં એશિઝ સિરીઝની ચાર મેચની સાત ઇનિંગમાં ૧,૨૩૭ બોલનો સામનો કર્યો હતો.

સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ

વિદેશી ધરતી પર એક સિરીઝમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે ૨૦૦૨માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચાર મેચની છ ઇનિંગમાં ૧,૩૩૬ બોલ રમ્યા હતા. આ દરમિયાન તેણે ૬૦૨ રન કર્યા હતા. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે ૨૦૧૨-૧૩માં ભારતપ્રવાસમાં ચાર ટેસ્ટ મેચની આઠ ઇનિંગમાં ૧,૨૮૫ બોલ રમ્યા હતા. પૂજારા આ લિસ્ટમાં ત્રીજા અને સટક્લિફ ચોથા ક્રમે છે. આ ઉપરાંત પૂજારા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૫૦થી વધુનો સ્કોર બનાવનાર પાંચમો ભારતીય બની ગયો છે. તેના પહેલાં સચિને (૨૪૧ અને ૧૫૪), રવિ શાસ્ત્રી (૨૦૬), વીવીએસ લક્ષ્મણ (૧૭૮ અને ૧૬૭), સુનીલ ગાવસ્કર (૧૭૨)થી વધુ રન એક ઇનિંગમાં બનાવી ચૂક્યા છે.

પૂજારા ત્રીજો ભારતીય

ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝમાં ૫૦૦ રન પણ પૂર્ણ કર્યા છે. તે ઓસ્ટ્રેલિયામાં કોઈ એક ટેસ્ટ સિરીઝમાં ૫૦૦ કે તેથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય બેટ્સમેન છે. ભારત તરફથી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ ૨૦૧૪-૧૫માં ૬૯૨ રન બનાવ્યા હતા જ્યારે દ્રવિડે ૨૦૦૩-૦૪માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે ૬૧૯ રન બનાવ્યા હતા.

વિકેટકીપર ઋષભ પંતના નામે સિદ્ધિ

ઋષભ પંત ૧૫૯ રન બનાવી અણનમ રહ્યો હતો. પંતે પોતાની કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર પણ બન્યો હતો. પંતે આ ઉપરાંત ભારતની બહાર ભારતીય વિકેટકીપર દ્વારા બનાવાયેલા સર્વોચ્ચ સ્કોરનો પણ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં ધોનીએ પાકિસ્તાન સામે ૨૦૦૬માં ફૈસલાબાદ ટેસ્ટમાં ૧૪૮ રન બનાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter