ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ

આઇપીએલમાંથી આઉટ

Wednesday 15th July 2015 06:26 EDT
 
 

નવી દિલ્હી, મુંબઇઃ રંગ, રોમાંચ અને રમતનો સમન્વય ધરાવતી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) ટૂર્નામેન્ટને બદનામીનું કલંક લાગ્યું છે. આઇપીએલ ટૂર્નામેન્ટની મેચોમાં સટ્ટાબાજીની તપાસ કરી રહેલી, સુપ્રીમ કોર્ટના આદેશથી રચાયેલી, જસ્ટિસ લોધા કમિટીએ ચેન્નઇ સુપરકિંગ્સના પ્રિન્સિપલ ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુંદ્રાને કસૂરવાર ઠરાવીને બન્નેને ક્રિકેટ સંબંધિત કોઇ પણ પ્રવૃતિમાં સામેલ થવા પર આજીવન પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ ઉપરાંત કમિટીએ બન્ને ટીમો ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પણ બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય ક્રિકેટ અને આઇપીએલ ટૂર્નામેન્ટ પર આ આદેશની બહુ દુરોગામી અસર જોવા મળશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
ચેન્નઇ સુપરકિંગ્સના પ્રિન્સિપલ તરીકે કાર્યભાર સંભાળતો ગુરુનાથ મયપ્પન આઇસીસીના અધ્યક્ષ એન. શ્રીનિવાસનનો જમાઇ છે જ્યારે રાજ કુંદ્રા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક છે.
આઇપીએલની આઠમી સિઝનમાં ૨૦૧૩માં આ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો હતો. સુપ્રીમ કોર્ટે ગત ૨૨ જાન્યુઆરીએ મયપ્પન અને રાજ કુન્દ્રા સામેના આરોપ પુરવાર થતા હોવાનો ચુકાદો આપ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે ચેન્નઈ સુપરકિંગ્સના પ્રિન્સિપલ મયપ્પન તથા રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુન્દ્રા માટે સજા નક્કી કરવા નિવૃત ન્યાયધીશોની બનેલી સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં જસ્ટિસ લોધા ઉપરાંત જસ્ટિસ અશોક ભાણ અને જસ્ટિસ વી. રવીન્દ્રનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટના આદેશથી રચાયેલી કમિટિનું નેતૃત્વ કરતા જસ્ટિસ લોધાએ મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું, ‘ગુરુનાથ મયપ્પન સટ્ટાબાજીમાં સંડોવાયેલો જણાયો છે અને તેની પ્રવૃત્તિથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ, આઇપીએલ અને ક્રિકેટની છબી ખરડાઇ છે.’
તેમણે કહ્યું હતું કે રાજ કુંદ્રા પણ સટ્ટાબાજીમાં સંડોવાયેલા જણાયો છે. એવું પણ પુરવાર થયું છે કે ગુરુનાથ મયપ્પનને રૂ. ૬૦ લાખનું નુકસાન પણ થયું છે.’ તેમણે કહ્યું હતું કે જે કોઇ પણ વ્યક્તિને ક્રિકેટની રમત માટે સન્માન હશે તે કદી આવી પ્રવૃત્તિમાં સંડોવાય નહીં.
ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ
લોધા કમિટીએ ઇંડિયા સિમેન્ટ્સની માલિકીની ચેન્નઇ સુપરકિંગ્સ પર બે વર્ષના પ્રતિબંધની ભલામણ કરી છે. જસ્ટિસ લોધાએ કહ્યું હતું, ‘ઇંડિયા સિમેન્ટ્સે મયપ્પનની ગતિવિધિને અટકાવવા માટે કોઇ પગલાં લીધા નહોતા.’
સમિતિએ આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સની સંચાલક જયપુર આઇપીએલ ફ્રેન્ચાઇઝી પર પણ બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. જ્યારે સ્ટીવ સ્મિથ, શેન વોટસન, જેમ્સ ફોકનર, ટીમ સાઉથી, અજિંક્ય રહાણે અને સ્ટુઅર્ટ બિન્ની રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી આઇપીએલમાં રમે છે.
લાંબા ગાળાની અસર
સટ્ટાબાજી અને મેચફિક્સિંગના આક્ષેપોના પગલે આઇપીએલ સામે ક્રિકેટચાહકો વારંવાર આક્રોશ ઠાલવતા રહ્યા છે. લોધા કમિટીનો ચુકાદો એવો છે જેનું પરિણામ શું આવશે તેનો અત્યારથી અંદાજ લગાવવાનું મુશ્કેલ છે. પરંતુ આ નિર્ણયની અસરથી ક્રિકેટનું કોઇ ક્ષેત્ર બાકાત નહીં રહે.
આઇપીએલ ચેમ્પિયન રહી ચૂકેલી આ બન્ને ટીમો પર પ્રતિબંધ ફરમાવવો તે મામૂલી વાત નથી. આનાથી બિલ્કુલ સ્પષ્ટ થઇ ગયું છે કે ભારતીય ક્રિકેટના શ્રીનિવાસન જેવા જૂના જોગીની મુશ્કેલીઓ ઘટવાના બદલે વધતી જ જશે.
શ્રીનિવાસન, મયપ્પન અને રાજ કુંદ્રા જેવા લોકોનું તો જે થવાનું હશે તે થશે, પરંતુ આની અસર કોર્પોરેટ સ્પોન્સર્સ, ખેલાડીઓ અને આઇપીએલના સમગ્ર માળખા પર પડશે. અત્યારે તો એ સ્પષ્ટ નથી કે ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના જે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ છે તેમનું શું થશે.
આઇપીએલનું ભવિષ્ય
એવું પણ લાગે છે કે આ કિસ્સામાં ઘણા કાનૂની દાવપેચ ખેલાશે. ખેલાડીઓના ભવિષ્ય પર જ નહીં, આઇપીએલના ભવિષ્ય સામે પણ પ્રશ્નાર્થ મૂકાશે. જોકે આઇપીએલમાં એટલા નાણાં ઠલવાયા છે કે ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં કે રદ કરવામાં તો નહીં આવે પણ એટલું જરૂર છે કે આગામી બે વર્ષ સુધી તો તેનું વર્તમાન સ્વરૂપ નહીં જ જળવાય. બધો જ દારોમદાર આઠ ટીમો પર છે. આઠ સપ્તાહ અને ૭૪ મેચોનું ફોર્મેટ બદલવું પડશે. તેનું કદ ઘટાડવું પડશે.
આર્થિક નુકસાન
લોધા કમિટીના આ નિર્ણયથી ટુર્નામેન્ટને મોટા આર્થિક ફટકો પડશે. જરા વિચારો કે બે મોટી ટીમો જ ટુર્નામેન્ટમાં નહીં હોય તો આઇપીએલની ચમક કેવી ઝંખવાશે. જાહેરખબરો પણ ઘટશે, અને કમાણી પણ ઘટશે. ટીવી બ્રોડકાસ્ટર કે જેમણે કરોડો રૂપિયા આપીને ટુર્નામેન્ટના રાઇટ્સ ખરીદયા છે તેઓ નુકસાનીનો દાવો કરી શકે છે અથવા તો કરાર તોડવાની વાત કરી શકે છે. ક્રિકેટના ચાહકો પણ આ નિર્ણયથી મૂંઝાઇ જવાના છે. તેમાં બેમત નથી. એક તરફ તેમને લાગશે કે આ ચુકાદો હકારાત્મક છે તો બીજી તરફ તેમને આઇપીએલની ચમક ઝંખવાતી જણાશે.
જોકે આ ચુકાદાને અંત નહીં, પણ શરૂઆત માનવી જોઇએ. એ તો સ્પષ્ટ છે કે ક્રિકેટને પણ હજુ વધુ સફાઇની જરૂર છે અને આ કેસમાં હજુ તો ઘણા ભેદભરમ બહાર આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter