ચેન્નઈ સામે ગુજરાત ટાઇટન્સની શરણાગતિ

Wednesday 27th March 2024 04:37 EDT
 
 

ચેન્નઇઃ આઇપીએલની સ્ટાર ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે મંગળવારે રમાયેલી વર્તમાન સિઝનની સાતમી મેચમાં ગુજરાત ટાઇટન્સને 63 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નઇ 4 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. ચેન્નઈએ આ મેદાન પર સિઝનના ઓપનરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવ્યું હતું.
ચેપોક સ્ટેડિયમમાં 207 રનના ટાર્ગેટને ચેઝ કરતા ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શક્યું હતું. આ પહેલાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. રચિન રવીન્દ્ર (20 બોલમાં 46 રન) અને શિવમ દુબે (23 બોલમાં 51 રન)એ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન ઋતુરાજ ગવકવાડે 36 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી.
ગુજરાત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા અને ડેવિડ મિલરે 21-21 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા. ચેન્નઈ તરફથી દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી.
 પ્રથમ મેચ હારવાની પરંપરા જાળવી
આઈપીએલ-17ની ઓપનિંગ મેચમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઈટન્સે ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મેચમાં 6 રનથી માત આપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે આ સાથે દરેક સિઝનમાં પોતાની પ્રથમ મેચ હારવાની પરંપરાને વધુ એક વખત આગળ વધારી હતી. મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી 12 સિઝનથી પોતાની ઓપનિંગ મેચ હારતી રહી છે. ટીમને છેલ્લે ઓપનિંગ મેચમાં જીત 2012માં મળી હતી. તે સમયે મુંબઈ ઈન્ડિયન્સે ઓપનિંગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. રવિવાર રાતે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 169 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે રન ચેઝ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટે 160 રન જ કરી શકી હતી.
જયપુરમાં રાજસ્થાનનો રોયલ રંગ
રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-17માં વિજયી પ્રારંભ કર્યો. રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 20 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ચાર વિકેટે 193 રનનો સ્કોર કર્યો. કેપ્ટન સંજુ સેમસને 52 બોલમાં અણનમ 82 રન કર્યા.
રિયાન પરાગ (43)એ મિડલ ઓર્ડરમાં તેને સારો સાથ આપ્યો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી થઈ. રનચેઝ કરતા લખનઉ છ વિકેટે 173 રન જ કરી શક્યું હતું. આ માટે રાહુલ (58) અને પૂરન (64) એ અડધી સદી ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter