ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીના નામે ચાહકોની લાગણી જોડે છેતરપિંડી કરીઃ શ્રીકાંત

Friday 29th May 2026 05:49 EDT
 
 

ચેન્નાઈ: આઈપીએલમાં પાંચ વખતની ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ સ્પર્ધામાંથી બહાર નીકળી ચુકી છે. આવા નિરાશાજનક દેખાવ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર 'MS Dhoni Scam' (એમ.એસ. ધોની કૌભાંડ) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ વિવાદમાં કૂદી પડતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પૂર્વ ચીફ સિલેક્ટર કે. શ્રીકાંતે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ, કેપ્ટન ગાયકવાડ અને કોચ ફ્લેમિંગ પર ચાહકોને અંધારામાં રાખવાનો અને છેતરવાનો નીડર આરોપ લગાવ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ એવી સીઝન રહી જેમાં ધોની એક પણ મેચ રમવા માટે મેદાન પર ઉતર્યો નથી. તેમ છતાં આખી સીઝન દરમિયાન તેના રમવાના ખોટા સંકેતો અપાયા હોવાનો દાવો થઈ રહ્યો છે.
આ સમગ્ર મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે ક્રિસ શ્રીકાંતના પુત્ર અનિરુદ્ધે સોશિયલ મીડિયા પર ચાહકોના ગુસ્સા અને પ્રતિક્રિયાઓને પોતાના યુટ્યુબ શોમાં રજૂ કરી અને તેના પિતાનો અભિપ્રાય માંગ્યો. જેના પર કે. શ્રીકાંતે ખચકાયા વિના ચેન્નાઈ મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી હતી. આક્રમક શૈલીમાં શ્રીકાંતે જણાવ્યું કે ‘સીઝન શરૂ થઈ તે પહેલાં મેનેજમેન્ટે કહ્યું કે ધોનીને પગમાં પિંડીની ઈજા થઈ છે. અને તે ટૂંક સમયમાં સાજો થઈ જશે. ત્યારબાદ કોચ સ્ટીફન ફ્લેમિંગ અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પણ દર વખતે એક જ રાગ આલાપતા રહ્યા કે ‘ધોની કદાચ આગામી મેચ માટે ફિટ થઈ જશે’.
શ્રીકાંતે કહ્યું કે 'મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સોશિયલ મીડિયા પર ધોની નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હોય તેવા વીડિયો પોસ્ટ કરતું હતું, જેથી ચાહકોને લાગે કે તે ફિટ છે અને આજે રમશે. આ ચાહકોની લાગણી સાથે રમત રમાઈ છે. પહેલા કહેવાયું કે તેને પગની પિંડીમાં ઈજા છે જે બે અઠવાડિયામાં ઠીક થઈ જશે, પછી સાથળના સ્નાયુની ઈજાનું બહાનું કઢાયું. ત્યારબાદ એવા અહેવાલો પણ આવ્યા કે ધોની ફિટ છે પણ ટીમ કોમ્બિનેશન ન બગડે એટલે બહાર બેઠો છે. આશ્ચર્યની વાત એ છે કે ધોની હવે મેચો માટે ટીમ સાથે ટ્રાવેલ પણ નહોતો કરતો. તે માત્ર ચેપોક (ચેન્નાઈ)માં છેલ્લી હોમ મેચ દરમિયાન મેદાન પર ચાહકોનું અભિવાદન કરવા દેખાયો હતો.
ધોનીનો યુગ પૂરો
શ્રીકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ચેન્નાઈના ચાહકો એટલા સમજદાર છે કે જો તેઓને સત્ય જણાવી દેવાયું હોત તો તેઓ સ્વીકારી લેત. જો તમે સાચું પૂછો તો અત્યારે મેચોમાં કોઈ ધોનીને મિસ નથી કરી રહ્યું. કોઈ એવું નથી પૂછતું કે ધોની કેમ નથી રમી રહ્યો. લોકો તો એ સવાલ પૂછે છે કે તે ડ્રેસિંગ રૂમમાં પણ કેમ નથી? ધોની આઈપીએલનો સૌથી મહાન ખેલાડી અને કેપ્ટન છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેનો યુગ હવે પૂરો થઈ ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter