જાણીતા તમિલ અભિનેતા આર્યની 1,540 કિ.મી.ની સફળ સાઈકલયાત્રા

સાઈકલિંગ ઈવેન્ટ્સમાં લંડન-એડિનબરા-લંડન ચેલેન્જ મુશ્કેલ ગણાય છે

Wednesday 24th August 2022 02:24 EDT
 
 

ચેન્નાઈ, લંડનઃ જાણીતા તમિલ અભિનેતા આર્ય પોતાની ટીમ સાથે લંડન-એડિનબરા-લંડન (LEL)ની 1,540 કિલોમીટરની સાઈકલયાત્રાની ચેલેન્જ પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે. આર્યે ટ્વીટર પર આની જાહેરાત કરતા કહ્યું છે કે મારા પરિવાર અને મિત્રોના સપોર્ટથી આ યાત્રાનો પડકાર પૂર્ણ કરવામાં સફળતા મળી છે. મારા જીવનનો આ સૌથી મોટા પડકારોમાં એક હતો. હું આગામી પડકાર માટે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આર્ય ફિટનેસ અને સાઈકલિંગના ઉત્સાહ માટે પ્રખ્યાત છે.

એક ડઝન સભ્યોની આ રાઈડર્સ - Ryders ટીમે રવિવાર 7 ઓગસ્ટથી યોજાએલા સાઈકલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ‘જય ભીમ’ ફિલ્મના અભિનેતા સુર્યાએ આ કાર્ક્રમ માટે ટીમના સભ્યોની જર્સીની જાહેરાત કરી હતી. લંડન-એડિનબરા-લંડનની 1,540 કિલોમીટરની સાઈકલયાત્રામાં સફળ થવા માટે ઊંચાઈ પર સાઈકલ ચલાવવી પડે છે અને પાંચ દિવસમાં લગભગ 125 કલાકનું સાઈકલિંગ કરવું પડે છે.

કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી યોજાએલા અને સૌથી મુશ્કેલ ગણાતા સાઈકલિંગ ઈવેન્ટ્સમાં એક આ ઈવેન્ટમાં વિશ્વભરમાંથી 1900 સાઈકલવીરોએ ભાગ લીધો હતો. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડની રાજધાનીઓ વચ્ચે આ મેગા સાઈકલિંગ ઈવેન્ટમાં સાઈકલવીરોની માનસિક અને શારીરિક ક્ષમતાની પરીક્ષા થાય છે. બ્રિટિશરો પછી સૌથી વધુ 172 સાઈકલવીરો આ ઈવેન્ટમાં જોડાયા હતા. આસામમાંથી ઉત્સાહી સાઈકલિસ્ટો 28 વર્ષીય કોમ્પ્યુટર ઈજનેર રિપુંજય ગોગોઈ અને ધીરજ દત્તા પણ આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. ગોગોઈએ સંપૂર્ણ અંતર કાપ્યુ હતુ જ્યારે દત્તાએ ટેક્નિકલ મુશ્કેલીના કારણે પોતાની યાત્રા અધવચ્ચે છોડવી પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter