ટી20 વર્લ્ડકપઃ ભારત ફરી એક વખત વિશ્વવિજેતા

Tuesday 10th March 2026 09:22 EDT
 
 

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને સતત બીજી વાર ટાઇટલ જીતી લીધું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આશરે એક લાખથી વધુ દર્શકોની હાજરીમાં રમાયેલી મેચમાં ભારતના 255 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

આ વિજય સાથે જ સૂર્યકુમાર યાદવનો પણ વિશ્વ વિજેતા કેપ્ટનોમાં સમાવેશ થઈ ગયો છે. ટીમ ઇન્ડિયાએ આ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. આ પહેલા, ટીમે 2007માં પ્રથમ અને રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ 2024માં જીત મેળવી હતી. ભારતે ન્યૂઝીલેન્ડ માટે 256 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ રેકોર્ડ તોડયા. પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા. એક સમયે, ભારત 300 સુધી પહોંચવા માટે તૈયાર દેખાતું હતું. પરંતુ નીશમે 16મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને રન રેટ ધીમો કરી દીધો હતો. 19 વર્ષનાં ઈતિહાસમાં સતત બીજા વર્ષે ખિતાબ જાળવી રાખનારી ભારતીય ટીમ પ્રથમ છે. આ જ રીતે યજમાન તરીકે આ ટૂર્નામેન્ટ જીતનાર પણ ભારત પ્રથમ દેશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વવિજેતા ટીમને બિરદાવતા લખ્યું હતુંઃ ચેમ્પિયન્સ! ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન! આ નોંધપાત્ર વિજય જબરદસ્ત કૌશલ્ય, નિશ્ચય અને ટીમવર્ક દર્શાવે છે. તેઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન જબરદસ્ત હિંમત દર્શાવી. આ વિજય દરેક ભારતીયના હૃદયને ગર્વ અને આનંદથી ભરી દે છે. શાબાશ, ટીમ ઇન્ડિયા!

બુમરાહની વર્લ્ડ કપમાં સૌથી વધુ 14 વિકેટ

ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ભારતની ટી20 વર્લ્ડ કપ જીતમાં સૌથી મોટો ફાળો આપ્યો. બુમરાહે સેમિ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પછી ફાઇનલમાં પણ સારું પ્રદર્શન કર્યું. બુમરાહે ફાઇનલમાં સતત બે બોલમાં બે વિકેટ લીધી, પરંતુ હેટ્રિક પૂર્ણ કરી શક્યો નહીં. આ સમયગાળા દરમિયાન બુમરાહની ઇકોનોમી પણ ઉત્તમ રહી. તેણે ટૂર્નામેન્ટમાં 14 વિકેટ લીધી, જે ટી20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. બુમરાહે ફાઇનલમાં ચાર વિકેટ લીધી.

સંજુએ વિરાટનો રેકોર્ડ તોડ્યો

સંજુ સેમસન એક જ ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. અત્યાર સુધી આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. 2014ના ટી20 વર્લ્ડ કપમાં 319 રન બનાવ્યા હતા. સેમસને આ ટી20 વર્લ્ડ કપમાં 321 રન બનાવ્યા છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર

ભારતે ન્યુઝીલેન્ડ સામે ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાવરપ્લેમાં કોઈ નુકસાન વગર 92 રન કર્યા. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. ટીમે વેસ્ટ ઇન્ડીઝને પાછળ છોડી દીધું છે. વિન્ડિઝે 2024માં અફઘાનિસ્તાન સામે પાવરપ્લેમાં એક વિકેટે 92 રન બનાવ્યા હતા. સેમસને સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી હતી પરિણામે ભારતે વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જોકે, સેમસન (89) સદીથી ચૂકી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter