ટીમ ઇંડિયા આઠમી વખત એશિયા કપ ચેમ્પિયન

Tuesday 19th September 2023 10:59 EDT
 
 

કોલંબોઃ ભારતે એશિયા કપની એકતરફી બનેલી ફાઇનલમાં શ્રીલંકાને કારમો પરાજય આપીને આઠમી વખત એશિયા કપ ટાઇટલ કબજે કર્યું છે. સિરાજે ઝંઝાવાતી બોલિંગને સહારે એક જ ઓવરમાં ચાર વિકેટ ઝડપવા સહિત કુલ 21 રનમાં છ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરીને તરખાટ મચાવ્યો હતો. ભારતના વિજયનો પાયો નાંખ્યો હતો. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને માત્ર 50 રનમાં સમેટી લીધા બાદ 10 વિકેટથી આસાન જીત હાંસલ કરી હતી.
આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ વર્ષ બાદ પહેલી વખત બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતવાની સાથે સાથે રેકોર્ડ આઠમી વખત એશિયા કપ જીતી લીધો હતો. શ્રીલંકા માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં જ ખખડી ગયું હતુ. જવાબમાં ભારતે માત્ર 6.1 ઓવરમાં જ વિના વિકેટે 51 રન કરીને વિજયી લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. આમ 50-50 ઓવરની વન-ડે મેચ માત્ર 21.3 ઓવરમાં જ પૂરી થઇ ગઇ હતી.
મેચના અંતે સિરાજને પ્લેયર ઓફ ધ મેચ અને કુલદીપને 9 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા. વર્લ્ડ કપને આડે હવે ત્રણ સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયાએ પાંચ વર્ષમાં પહેલી વાર મલ્ટીનેશન ટૂર્નામેન્ટ જીતી વિશ્વવિજયનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. ભારત આ અગાઉ 2018માં જે બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીત્યું તે એશિયા કપ જ હતો, જે પણ રોહિતની આગેવાનીમાં જ ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો.

વરસાદના કારણે વિલંબથી શરૂ થયેલી વન-ડેમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. બુમરાહે પહેલી જ ઓવરમાં પરેરાની વિકેટ ઝડપી હતી. જે પછી સિરાજે તેની બીજી અને ઈનિંગની ચોથી ઓવરમાં નિસાંકા, સમરવિક્રમા, અસાલાન્કા અને ધનંજયાની વિકેટ ઝડપતાં શ્રીલંકા 8/1 થી 12/6 પર ફસડાયું હતુ. તેણે શનાકાની પણ વિકેટ ઝડપતાં માત્ર 16 જ બોલમાં પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી અને 12/6 પર ફસડાયેલી શ્રીલંકાની હાર નિશ્ચિત બની ગઈ હતી. મેન્ડિસે 17 અને હેમંથાએ અણનમ 13 રન કરીને ટીમના કુલ સ્કોરને 50 સુધી પહોંચાડયો હતો.
સિરાજને સાથ આપતાં હાર્દિકે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ટીમ ઇંડિયાની ઓપનર જોડી ગીલે અણનમ 27 અને કિશન અણનમ 23 કરીને માત્ર 6.1 ઓવરમાં વિના વિકેટે 51 રન કરીને ભારતને 10 વિકેટથી પ્રચંડ વિજય અપાવ્યો હતો. ભારતે આ શાનદાર વિજય મેળવ્યો ત્યારે 43.5 ઓવર બાકી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter