ટીમ ઇંડિયા ભારતમાં ૮ દિવસ બાયો-બબલમાં રહેશે, ૧૦ દિવસ બ્રિટનમાં ક્વોરેન્ટાઇન થશે

Wednesday 12th May 2021 05:21 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે ક્રિકેટના થયેલા પુનરાગમન બાદ ટીમ ઇંડિયા પોતાના બીજા વિદેશ પ્રવાસે જશે જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. આ મુકાબલો ૧૮થી ૨૨ જૂન સુધી રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી રમશે જેની શરૂઆત ઓગસ્ટમાં થશે.
ઇંગ્લેન્ડ રવાના થતા પહેલાં ભારતીય ટીમે આઠ દિવસના કપરાં બાયો-બબલમાં રહેવું પડશે. કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ૨૦ સભ્યની ભારતીય ટીમ ૨૫ મેના રોજ મુંબઇમાં એકત્ર થશે અને ત્યાં તૈયાર કરાયેલા બાયો-બબલમાં આઠ દિવસ રહેશે. આ દરમિયાન બેથી ત્રણ વખત તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાશે. ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડ રવાના થશે અને ત્યાં પહોંચ્યા બાદ ૧૦ દિવસ ક્વોરેન્ટાઇન થશે. આ સમય પૂરો કર્યા બાદ સાઉથમ્પ્ટન ખાતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા માટે મેદાનમાં ઊતરશે.
દરમિયાન ભારતની વિમેન્સ ટીમ પણ મેન્સ ટીમ સાથે ઇંગ્લેન્ડ પહોંચે તેવી સંભાવના છે. ભારતીય વિમેન્સ ટીમ જૂન મહિનામાં બ્રિસ્ટલ ખાતે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ ટીમ ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચની શ્રેણી પણ રમશે. ૨૦૧૪ બાદ પ્રથમ વખત ભારત અને ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમ ટેસ્ટ મેચ રમશે.
ખેલાડીના પરિવાર પણ સાથે
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓ ૨૫મી મેના રોજ બાયો-બબલમાં પ્રવેશ કરશે અને આઠ દિવસ ક્વોરન્ટાઇન થશે. આ દરમિયાન ખેલાડીઓના આવનજાવન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એકમાંથી બીજા બાયો-બબલમાં જવાના કારણે બીજા ક્વોરન્ટાઇન પિરિયડમાં પ્લેયર્સ પ્રેક્ટિસ કરી શકશે. તેમણે કહ્યું હતું કે ત્રણ મહિનાનો લાંબો વિદેશ પ્રવાસ હોવાના કારણે પ્લેયર્સનો પરિવાર પણ સાથે જઈ શકશે અને તેમને પણ આઇસોલેશનમાં ફરજિયાત રહેવું પડશે.
તમામ ખેલાડીને વેક્સિન
ખેલાડીઓ બાયો-બબલમાં પ્રવેશ કરે ત્યારે પ્રત્યેક ખેલાડીને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની બીસીસીઆઇ વ્યવસ્થા કરી રહ્યું હોવાના અહેવાલ છે. ઇંગ્લેન્ડનો પ્રવાસ કુલ ત્રણ મહિનાનો હોવાના કારણે બ્રિટનમાં જ ભારતીય ખેલાડીઓને વેક્સિનનો બીજો ડોઝ મળે તે માટે બીસીસીઆઇ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી રહ્યું છે.
ભારતના બે ખેલાડી શિખર ધવન અને ટેસ્ટ ટીમનો ઉપસુકાની રહાણે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter