અમદાવાદઃ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 1-2થી પાછળ પડ્યા બાદ ભારતીય ટીમ હવે 23મી જુલાઈથી માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં વિજય અપાવે તેવો શાનદાર દેખાવ કરવા તત્પર છે. બીજી તરફ, ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ત્રીજા ક્રમના બેટ્સમેનની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહી છે.
ટીમ ઈન્ડિયાને ચેતેશ્વર પુજારા બાદ ત્રીજા ક્રમનો કોઈ આધારભૂત બેટસમેન જ મળી શક્યો નથી. ટોપ ઓર્ડરમાં વન ડાઉન એટલે કે ત્રીજા ક્રમનો બેટ્સમેન મોટી ઈનિંગ રમે તે જરૂરી હોય છે, પણ ભારત માટે નાલેશીભર્યો રેકોર્ડ એ છે કે, છેલ્લા લગભગ ત્રણ વર્ષથી વિદેશની ભૂમિ પ૨ રમાયેલી ટેસ્ટમાં ત્રીજા ક્રમના બેટ્સમેને સદી તો શું અડધી સદી પણ ફટકારી નથી.
ભારતે વર્ષ 2020થી લઈને અત્યાર સુધી એટલે કે પાંચ વર્ષ દરમિયાન કુલ મળીને 11 બેટ્સમેનોને ત્રીજા ક્રમે અજમાવ્યા છે, પણ કોઈ સ્થિરતા સાથે ટકી શકવામાં સફળ રહ્યા નથી. અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અને ત્યાર બાદ હાલના ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ ભારતને ત્રીજા ક્રમના બેટ્સમેનના કંગાળ દેખાવની સમસ્યા સતાવી રહી છે અને હવે આ પ્રશ્ન ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટ અને દિંગ્ગજો માટે અનુત્તર રહ્યો હોય તેમ જોઈ શકાય છે.
છેલ્લે ત્રીજા ક્રમે ચેતેશ્વર પુજારાનો દબદબો
ભારતીય ટીમ તરફથી ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે છેલ્લે સૌરાષ્ટ્રના ધુરંધર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનો દબદબો જોવા મળ્યો હતો. પુજારાએ લગભગ એક દશક સુધી વન ડાઉન બેટ્સમેન તરીકે શાનદાર દેખાવ કર્યો હતો. પુજારાએ ત્રીજા ક્રમના બેટસમેન તરીકે 155 ટેસ્ટ ઈનિંગમાં કુલ 6529 ૨ન 44.41ની સરેરાશથી ફટકાર્યા હતા. તેણે ટેસ્ટમાં પ્રવેશ કર્યો ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે સૌથી વધુ રન ફટકારવામાં તે બીજા ક્રમે છે. રસપ્રદ બાબત એ છે કે, વિદેશની ભૂમિ પર ભારતના ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે અડધી સદી અને સદી ફટકારવાનો રેકોર્ડ પણ પૂજારાના નામે છે. તેણે બાંગ્લાદેશ સામે ડિસેમ્બર, 2022માં રમાયેલી ચાટ્ટોગ્રામ ટેસ્ટમાં ત્રીજા ક્રમે ઉતરીને અનુક્રમે 90 અને અણનમ 102 રન ફટકાર્યા હતા.