ટીમ ઇંડિયાએ ૧૪૦ વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે વ્હાઇટ વોશ

Monday 01st February 2016 06:30 EST
 
 

સિડનીઃ ટીમ ઇંડિયાએ ક્રિકેટજગતમાં વિજયપતાકા લહેરાવ્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયાને રવિવારે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે ઘરઆંગણે જ પરાજય આપવાની સાથે ત્રણ મેચની સિરીઝ ૩-૦થી જીતી છે. આ વિજય સાથે ભારતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ૧૪૦ વર્ષના રેકોર્ડને તોડતાં પ્રથમ વખત ક્લીનસ્વીપ કર્યું છે.
ક્રિકેટજગતમાં દબદબો ધરાવતા ઓસ્ટ્રેલિયાને તેના હોમ ગ્રાઉન્ડમાં પરાજય આપવો વિશ્વની કોઇ પણ ટીમ માટે લોઢાના ચણા ચાવવા સમાન રહ્યું છે. આ જ કારણ છે કે, છેલ્લા ૧૪૦ વર્ષના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાને વિશ્વની કોઈ પણ ટીમ તેના જ આંગણે વ્હાઇટ વોશ કરી શકી ન હતી. જોકે ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે.
ત્રીજી ટી૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટના ભોગે ૧૯૭ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ આક્રમક શરૂઆત કરતા રોહિતના બાવન રન અને કોહલીના ૫૦ રનની મદદથી મજબૂત શરૂઆત કરી હતી. કોહલી અને રોહિત આઉટ થયા બાદ રૈના અને યુવરાજે ભારતનો સ્કોર આગળ વધાર્યો હતો. અંતિમ ઓવરમાં ભારતને જીત માટે ૧૭ રનની જરૂર હતી ત્યારે રોમાંચક ઓવરમાં આ જોડીએ ૧૯ રન લઈ ભારતને જીત અપાવી હતી. ભારતે ૧૯૮ રનનો ટાર્ગેટ પાર કરતાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટી૨૦માં સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં શેન વોટસનના અણનમ ૧૨૪ રન અને ટ્રેવિસ હેડના ૨૬ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૯૭ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. સદી ફટકારનાર વોટસનને મેન ઓફ ધ મેચ જ્યારે ત્રણેય મેચમાં અર્ધી સદી ફટકારી કુલ ૧૯૯ રન બનાવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
૧૯૮ રનના ટાર્ગેટ સામે ભારતીય ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને આક્રમક શરૂઆત કરતાં પ્રથમ વિકેટ માટે ૪૬ રન કર્યા હતા. ચોથી ઓવરના બીજા બોલે ધવન નવ બોલમાં ૨૬ રન બનાવીને આઉટ થયા બાદ કોહલી અને રોહિતે ઓસ્ટ્રેલિયન બોલરોને ચારેબાજુ ફટકારવાનું ચાલુ રાખી ટીમનો સ્કોર ૧૨૪ રને પહોંચાડયો હતો. રોહિત શર્મા ૫૨ રન બનાવી આઉટ થયા બાદ કોહલી પણ પોતાના ૫૦ રન પૂરા કરીને પેવેલિયન પરત ફર્યો હતો.
કોહલી આઉટ થયો ત્યારે ભારતને જીત માટે ૩૧ બોલમાં ૫૧ રનની જરૂર હતી ત્યારે રૈના અને યુવરાજે સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. ભારતને અંતિમ ઓવરમાં જીત માટે ૧૭ રનની જરૂર હતી ત્યારે યુવરાજ અને સુરેશ રૈનાએ ભારતને રોમાંચક બનેલા મુકાબલામાં સાત વિકેટે જીત અપાવી હતી.ૉ

યુવરાજે રંગ રાખ્યો

યુવરાજ નવ બોલમાં પાંચ રને રમી રહ્યો હતો અને અંતિમ ઓવરમાં સ્ટ્રાઇક તેની પાસે હતી ત્યારે ક્રિકેટપ્રેમીઓ યુવરાજની સામે શંકાની નજરે જોઈ રહ્યા હતા. જોકે યુવરાજે પ્રથમ બોલે ચોગ્ગો અને બીજા બોલે છગ્ગો લગાવી બાજી પલટી નાખી વિલન બનતાં રહી ગયો હતો અને મેચમાં હીરો બની સામે આવ્યો હતો.

મેચનો ટર્નિંગ પોઇન્ટ

ભારતના ૧૨૪ રનના કુલ સ્કોરે રોહિત શર્મા આઉટ થયા બાદ બીજા જ બોલે સુરેશ રૈનાને સ્ટમ્પિંગ કરવાનું ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેનક્રોફ્ટ ચૂક્યો હતો, જે ઓસ્ટ્રેલિયાને ભારે પડ્યું હતું. સુરેશ રૈનાએ પોતાના મળેલા જીવતદાનનો ફાયદો ઉઠાવતાં અણનમ ૪૯ રન બનાવીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.

વોટસનના ધમાકેદાર ૧૨૪

વોટસન અને ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગની શરૂઆત કરી હતી. જોકે ખ્વાજા અંગત ૧૪ રન બનાવી આઉટ થયો હતો. શોન માર્શ નવ રને અને મેક્સવેલ ત્રણ રન બનાવીને આઉટ થયા બાદ વોટસન અને ટ્રેવિસ હેડે ચોથી વિકેટ માટે ૯૩ રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. હેડ ૨૬ રન બનાવી આઉટ થયા બાદ લીન પણ અંતિમ ઓવરમાં અંગત ૧૩ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો ત્યારે વોટસને અણનમ ૧૨૪ રન બનાવવાની સાથે ટીમનો સ્કોર ૧૯૭ રને પહોંચાડયો હતો. ભારત તરફથી નેહરા, બૂમરાહ, અશ્વિન, જાડેજા અને યુવરાજને ૧-૧ વિકેટ મળી હતી.

રોહિતના હજાર રન પૂરા

‘રનમશીન’ રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી૨૦ મેચમાં આંતરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં ૧,૦૦૦ રનની સિદ્ધિ હાંસલ કરી હતી. ટી૨૦ ક્રિકેટમાં ૧,૦૦૦ રન બનાવનાર વિશ્વનો ૨૩મો અને ભારતનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. ભારત તરફથી કોહલી અને રૈના પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ન્યૂ ઝિલેન્ડના મેક્કુલમના નામે છે જેણે ૭૧ મેચમાં ૨,૧૪૦ રન બનાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter