ટીમ ઇંડિયાની ૩-૦થી અજેય સરસાઇઃ શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં પણ હરાવ્યું

Tuesday 29th August 2017 05:18 EDT
 
 

કેન્ડીઃ જસપ્રીત બુમરાહના ઝમકદાર બોલિંગ પ્રદર્શન (૫ વિકેટ) બાદ રોહિત શર્માની અણનમ સદી (૧૨૪) અને ધોનીની લડાયક બેટિંગ (૬૭ અણનમ)ની મદદથી ભારતે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૧૭ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૪૫.૧ ઓવરમાં ૪ વિકેટે ૨૧૮ રન કરી લીધા હતા. આ જીત સાથે પાંચ મેચની શ્રેણીમાં ભારતે ૩-૦થી અજેય સરસાઈ મેળવી છે.
શિખર ધવન (૫) સસ્તામાં આઉટ થતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. આ પછી કોહલી (૩), રાહુલ (૧૭), જાધવ (૨) પણ જલદી આઉટ થતાં ભારત ૬૧ રનમાં ૪ વિકેટ ગુમાવી દઇને સંકટમાં મૂકાયું હતું. અહીંથી રોહિત શર્મા અને ધોનીએ અણનમ ૧૫૭ રનની ભાગીદારી કરી ભારતને જીત તરફ લઈ ગયા હતા. રોહિતે ૧૪૫ બોલમાં ૧૬ બાઉન્ડ્રી અને ૨ સિક્સર સાથે ૧૨૪ રન બનાવ્યા હતા. ધોનીએ ૮૬ બોલમાં ૪ બાઉન્ડ્રી અને ૧ સિક્સર સાથે ૬૭ રન બનાવ્યા હતા.
અઝહરથી આગળ નીકળ્યો ધોની
વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ધોનીએ શ્રીલંકા સામે ૬૧ રન બનાવીને ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ રાખ્યો હતો. અઝહરના નામે ૯૩૭૮ રન હતા. ધોનીના નામે હવે ૯૪૨૫ રન છે.
બુમરાહનું બેસ્ટ પ્રદર્શન
બુમરાહે ૨૭ રનમાં ૫ વિકેટ ઝડપીને વન-ડે કારકિર્દીમાં પોતાનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. બુમરાહ પ્રથમ વખત વન-ડેમાં પાંચ વિકેટ ઝડપવા સફળ રહ્યો છે. આ પહેલાં તેનું બેસ્ટ પ્રદર્શન ૨૨ રનમાં ૪ વિકેટ હતું.

ધોની-ભુવનેશ્વરે ભારતની લાજ બચાવી

આ પૂર્વે ૨૪ ઓગસ્ટે પલેકલમાં રમાયેલી બીજી વન-ડેમાં ધોની-ભુવનેશ્વરની જોડીએ ભારતની લાજ બચાવી હતી અને ટીમને વિજયપંથે દોરી ગયા હતા. નવોદિત સ્પિનર અકિલા ધનંજયે માત્ર ૫૪ રનમાં ૬ વિકેટ ઝડપીને ભારતની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી. આ સમયે ધોની અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી નોંધાવી હતી અને ભારતે બીજી વન-ડેમાં શ્રીલંકાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરતાં શ્રીલંકાએ આઠ વિકેટે ૨૩૬ રન કર્યા હતા. આ પછી વરસાદ નડતાં ભારતને ડકવર્થ લુઇના આધારે ૪૭ ઓવરમાં ૨૩૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ધોનીએ ૬૮ બોલમાં ૪૫ તથા ભુવનેશ્વરે ૮૦ બોલમાં ૫૩ રન કર્યા હતા. આ મેચમાં બુમરાહે ચાર વિકેટ ખેરવી હતી.

ધોનીનું ૯૯મું સ્ટમ્પિંગ

ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પલેકલમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ધનુષ્કા ગુનાતિલકાનું સ્ટમ્પિંગ કરીને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન તથા વિકેટકિપર કુમાર સંગાકારાના સર્વાધિક સ્ટમ્પિંગના રેકોર્ડની બરોબરી કરી હતી. ધોનીએ પોતાની ૨૯૮મી વન-ડે મેચમાં ગુનાતિલકાની વિકેટ સ્વરૂપે પોતાનું ૯૯મું સ્ટમ્પિંગ કર્યું હતું. જો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સ્ટમ્પિંગની ચર્ચા કરીએ તો ધોની ૧૬૦ શિકાર સાથે ધોની વિશ્વમાં નંબર - ૧ વિકેટકીપર છે. વન-ડે ક્રિકેટમાં ધોનીના નામે કુલ ૩૭૭ શિકાર (૨૭૮ કેચ, ૯૯ સ્ટમ્પિંગ) નોંધાયેલા અને બેસ્ટ વિકેટકીપરની યાદીમાં તે ચોથા ક્રમે છે. સંગાકારા (૪૮૨) પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ એડમ ગિલક્રિસ્ટ (૪૭૨) બીજા તથા માર્ક બાઉચર (૪૨૪) ત્રીજા ક્રમે છે. જો ધોની ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધી રમશે તો તેની પાસે બાઉચરનો રેકોર્ડ તોડવાની તક રહેશે. ધોનીએ ટેસ્ટ કારકિર્દીની ૯૦ મેચમાં સ્ટમ્પ પાછળ ૨૯૪ શિકાર (૨૫૬ કેચ, ૩૮ સ્ટમ્પિંગ) કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter