ટીમ ઇંડિયાનો ધબડકોઃ વર્લ્ડ કપમાં પહેલી વખત પાક. સામે પરાજય

Wednesday 27th October 2021 01:13 EDT
 
 

દુબઈઃ પ્લેયર ઓફ ધ મેચ પેસ બોલર શાહિનશાહ આફ્રિદીના ઘાતક સ્પેલ બાદ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની શાનદાર ભાગીદારી ટીમ ઇંડિયાને પરાજયના પંથે દોરી ગઇ હતી. દુબઇમાં રમાઇ રહેલા ટી૨૦ વર્લ્ડ કપના મહામુકાબલા સમાન આ મેચમાં પાક. ટીમે ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાને પાંચ પ્રયાસ બાદ પ્રથમ વખત ભારતને ટી૨૦ વર્લ્ડ કપમાં હરાવ્યું છે. રવિવારે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે સાત વિકેટે ૧૫૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને ૧૭.૫ ઓવરમાં વિના વિકેટે ૧૫૨ રન નોંધાવીને વિજય હાંસલ કરી લીધો હતો.
પાકિસ્તાને આઈસીસી વન-ડે વર્લ્ડ કપ અને ટી૨૦ વર્લ્ડ કપમાં ૧૯૯૨ બાદ પ્રથમ વખત ભારતને હરાવ્યું છે. પાકિસ્તાને આઇસીસી મેગા ઇવેન્ટમાં ભારતને ૨૯ વર્ષ પહેલા હરાવ્યું હતું. ભારત સામે વિજયની સાથે જ પાકિસ્તાને ભારતને આસાનીથી હરાવીને વર્લ્ડ કપ જીતવા માટે પોતાની દાવેદારીને વધારે મજબૂત કરી હતી.
સ્લો અને બેટિંગ પિચ ઉપર રન ચેઝ કરવા મેદાને પડેલી પાક. ટીમના ઓપનર બાબર તથા રિઝવાન ભારતીય બોલર્સને સહેજ પણ મચક આપ્યા વિના મુક્તમને સ્કોરિંગ શોટ્સ ફટકાર્યા હતા બાબર આઝમે બાવન બોલમાં ૬૮ રન જ્યારે રિઝવાને ૫૫ બોલમાં ૭૮ રન કરી ટીમને વિજય અપાવ્યો હતો. ભારતીય બોલર્સ કલબ સ્તરની બોલિંગ કરતા હોય તેવું લાગી રહ્યું હતું.
મોહમ્મદ શમી ટ્રોલર્સનું નિશાન
આ હારની સાથે જ સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયા આવવા લાગી, જેમાં ટ્રોલર્સે ૧૮મી ઓવરમાં પાક.ને ૧૭ રન આપનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવ્યો હતો. ઘણા લોકો હતા જેમણે શમીને પાકિસ્તાની ગણાવીને તેમની ટીકા કરી, તો કેટલાક લોકો એવા પણ હતા જેમણે તેમના પર મેચ હારવા માટે પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો. કેટલાય લોકોએ અશ્લીલ શબ્દોનો મારો ચલાવ્યો હતો. જોકે ક્રિકેટર્સથી માંડીને નેતાઓએ ક્રિકેટચાહકોના આવા નકારાત્મક અભિગમને વખોડ્યો છે. સચીન તેન્ડુલકરે ટ્વિટ કર્યું હતું કે શમી તું સ્ટાર બોલર છે.
સટ્ટાબાજો રાતા પાણીએ રોયાં
મેચના પ્રારંભ પૂર્વે ટોસ જીત્યા બાદ ભારતના વિજય ઉપર કરોડો રૂપિાયનો સટ્ટો રમાયો હતો. અને સટ્ટાબજારમાં ભારત ફેવરિટ હતં. ૧૫૧ રનનો સ્કોર નોંધાવ્યા બાદ પણ પાકિસ્તાન કરતાં ભારતના વિજય ઉપર બુકીઓ કરોડો રૂપિયાનો સટ્ટો રમ્યા હતા. જોકે પાકિસ્તાનના ઓપનર્સે મેચને એકતરફી બનાવીને ટીમને વિજય અપાવતાં ઘણા બુકીઓ રાતા પાણીએ રડ્યાં હતાં.
પ્રથમ વખત ૧૦ વિકેટે પરાજય
ઓપનિંગ જોડી મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમે ૧૫૨ની સંગીન ભાગીદારી નોંધાવીને પાકિસ્તાનને એકતરફી વિજય અપાવ્યો હતો. ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ વખત કોઈ મેચમાં ૧૦ વિકેટે પરાજય મળ્યો છે. બીજી તરફ આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત સામે પાંચ મેચ બાદ પ્રથમ વિજય હાંસલ કરનાર પાકિસ્તાને પણ રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે કોઈ ટીમ સામે પ્રથમ વખત ૧૦ વિકેટ વિજય મેળવ્યો છે. વર્લ્ડ કપમાં આજ સુધી કોઈ ટીમ ભારત સામે ૧૦ વિકેટે જીતી નથી. આઈસીસી બંને પ્રકારની ઇવેન્ટ્સમાં પાકિસ્તાનને છેલ્લે ભારતને ૧૯૯૨માં હરાવ્યું હતું.
કોહલીએ રેકોર્ડ નોંધાવ્યો
ટી૨૦ વર્લ્ડ કપમાં કોહલી કોઈ એક ટીમ સામે હાઇએસ્ટ રન નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. કોહલીએ પાકિસ્તાન સામે ઓવરઓલ ૨૨૬ રન નોંધાવ્યા છે. આ પહેલાનો રેકોર્ડ એહમદ શેહજાદના નામે હતો, જેણે બાંગ્લાદેશ સામે કુલ ૧૬૩ રન બનાવ્યા હતા. યાદીમાં ત્રીજા ક્રમે શ્રીલંકાના મહેલા જયવર્દને છે, જેણે ન્યૂઝીલેન્ડ સામે કુલ ૧૫૭ રન બનાવ્યા છે. એટલું જ નહીં, ટી૨૦ વર્લ્ડ કપમાં તે પહેલી વખત પાકિસ્તાન સામે આઉટ થયો છે. દબાણમાં કોહલી વધારો સારો દેખાવ કરે છે અને પાક. સામેની મેચમાં પણ આમ જ થયું છે. ભારતીય ટીમે બહુ સસ્તામાં ત્રણ વિકેટ ગમાવી દીધી હતી, પણ કોહલીએ એક છેડો સંભાળીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કોહલી ૫૭ રન બનાવીને આઉટ થયો હતો અને તે ટી૨૦ વર્લ્ડ કપમાં પાક. સામે પ્રથમ વખત આઉટ થયો છે. આ પહેલાં તે પાક. સામે ક્રિકેટના આ શોર્ટેસ્ટ ફોર્મેટમાં અણનમ ૭૮, ૩૬ તથા ૫૫ રનની ઇનિંગ રમ્યો છે.

પાક. સામે રોહિતનું ‘ગોલ્ડન ડક’

ભારતની ઇનિંગમાં રાહુલે પ્રથમ ઓવરમાં ત્રીજા બોલે સિંગલ લઈને રોહિતને સ્ટ્રાઈક આપી હતી. શાહિને ઘાતક યોર્કર દ્વારા રોહિતનું સ્વાગત કર્યું હતું. તેનો યોર્કર મિડલ ઓફ લાઈનમાં એકદમ ફૂલ લેન્થનો હતો અને રોહિતનું બેટ જલદીથી નીચે આવી શક્યું નહોતું. બોલ રોહતિના પેડ ઉપર અથડાયો હતો અને અમ્પાયરે એને એલબીડબલ્યૂ આઉટ જાહેર કર્યો હતો. રોહિત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ખાતું ખોલાવ્યા વિના આઉટ થનાર પ્રથમ બેટ્સમેન નથી. અગાઉ બંને વખત ગૌતમ ગંભીર કોઈ પણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.

રિષભ યંગેસ્ટ વિકેટકિપર
ભારતીય વિકેટકીપ રિષભ પંતે ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ વેળા મેદાનમાં ઊતરતાની સાથે જ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તે ભારત તરફથી ટી૨૦ વર્લ્ડ કપમાં રમનાર યંગેસ્ટ વિકેટકીપર બની ગયો છે. ટી૨૦ વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ પંતે ૨૪ વર્ષ ૨૦ દિવસની વયે રમીને ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ધોનીએ ૨૬ વર્ષ ૨૮ દવસની વયે ટી૨૦ વર્લ્ડ કપમાં ડેબ્યૂ મેચ રમી હતી. રિષભ પંતે પાકિસ્તાન સામે ૩૦ બોલમાં ૩૯ રનની ઇનિંગ રમી હતી.

પાક. ઓપનર્સના નામે વિક્રમ
રિઝવાન અને બાબરે પ્રથમ વિકેટ માટે ૧૫૨ રનની ભાગીદારી નોંધાવી તે સાથે જ ભારત સામે નવો રેકોર્ડ નોંધાયો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના ડેવિડ વર્ન અને એરોન ફિન્સે પ્રથમ વિકેટ માટે ૧૩૩ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે હવે આ વિક્રમ રિઝવાન અને બાબરના નામે થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter