ટીમ ઇંડિયાનો શ્રીલંકા સામે શાનદાર વિજયઃ એક ઇનિંગ અને 222 રનથી હરાવ્યું

Wednesday 09th March 2022 06:29 EST
 
 

મોહાલીઃ શ્રીલંકા સામેની બે મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે એક ઇનિંગ અને 222 રને શાનદાર વિજય મેળવ્યો છે. ભારતના આ ઝમકદાર વિજયનો હીરો હતો રવીન્દ્ર જાડેજા. તેણે અણનમ 175 રન નોંધાવ્યા બાદ શ્રીલંકાની બંને ઇનિંગ મળીને કુલ નવ વિકેટ ઝડપી હતી. શાનદાર દેખાવ બદલ જાડેજાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો છે. મોહાલીમાં રમાયેલી આ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગમાં ઝમકાદર દેખાવ કરતાં મેચનું પરિણામ ત્રીજા જ દિવસે આવી ગયું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઊતરેલી ભારતીય ટીમે આ સાથે જ 1-0ની લીડ હાંસલ કરી છે.
શ્રીલંકા સસ્તામાં સમેટાયું
મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ટોચ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 574 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં શ્રીલંકન ટીમ પ્રથમ ઇંનિગમાં 174 રનમાં ઓલઆઉટ થઈ હતી અને પછી ફોલોઓન થયા બાદ બીજી વાર બેટિંગ કરવા ઊતરેલી પ્રવાસી ટીમ ફક્ત 178 રન કરી શકી હતી. શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં નિસંકા 61 રને અણનમ રહ્યો હતો જ્યારે બીજી ઇનિંગમાં વિકેટકિપર બેટ્મેન ડિકવેલા 51 રન કરીને અણનમ રહ્યો હતો. આ સિવાય કોઇ બેટ્સમેન ખાસ દેખાવ કર શક્યા નહોતા. ભારતીય બોલર્સે બંને ઇનિંગમાં કુલ છ વિકેટ શૂન્ય રનમાં ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં ચાર શ્રીલંકન બેટ્સમેન તો ખાતું જ ખોલાવી શક્યા નહોતા. જ્યારે બીજી ઇનિંગમાં બે બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા.
જાડેજાએ કપિલનો રેકોર્ડ તોડ્યો
શ્રીલંકા વિરુદ્વ પહેલી ટેસ્ટ મેચમાં રવીન્દ્ર જાડેજાના અણનમ 175 રન સાથે ભારતે આઠ વિકેટે 574 રન પર ઇનિંગ ડિક્લેર કરી હતી. મોહાલીમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર હતો. જાડેજા સાતમા ક્રમે બેટિંગ કરવા સર્વાધિક રન બનાવનાર ભારતીય બન્યો છે. તેણે કપિલ દેવનો 1986માં 163 રનનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. સાતમા ક્રમે બેટિંગ કરતા સર્વાધિત 270 રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ ડોન બ્રેડમેનના નામે છે. જાડેજા ઇન્ટરનેશનલ 5000 રન અને 400 વિકેટ ઝડપનાર બીજો ભારતીય બન્યો હતો. કપિલ પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે.
કોહલીની ‘વિરાટ’ ક્ષણ
વિરાટ કોહલીની 100મી ટેસ્ટ પ્રસંગે કોચ રાહુલ દ્રવિડે કોહલીને એક વિશેષ કેપ આપી હતી. કોહલીએ કહ્યું હતું, ‘મારી પત્ની, ભાઈ અહીં હાજર છે. તમામ ખુશ છે અને ગર્વ અનુભવી રહ્યા છે. ક્રિકેટ હંમેશા ટીમ સાથે રમાય છે અને તમારા બધા વિના આ સિદ્ધિ શક્ય નહોતી. હાલના સમયમાં ક્રિકેટના મુખ્ય ફોર્મેટમાં ૧૦૦ મેચ રમવી ઘણું ખાસ છે.’ કોહલીએ આ મેચમાં ૩૮મો રન કરવાની સાથે ટેસ્ટમાં ૮ હજાર રન પૂર્ણ કરવાની સિદ્ધિ પણ મેળવી હતી. તે આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય છે. આ અગાઉ ગાવસ્કર, સચિન, દ્રવિડ, લક્ષ્મણ અને સેહવાગે આ સિદ્ધિ
મેળવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter