ટી૨૦માં હાર્દિક પંડ્યા ગેમ ચેન્જરઃ ધોની

Saturday 27th February 2016 04:29 EST
 
 

મીરપુરઃ મેદાનમાં ઉતર્યા પછી પહેલા બોલથી જ મોટા શોટ રમવાની હાર્દિક પંડ્યાની ક્ષમતાથી પ્રભાવિત ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું છે કે આ યુવા ખેલાડી પોતાની ઓલરાઉન્ડ પ્રતિભાથી ટી૨૦માં ભારત માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થયો છે.
વડોદરાના વતની હાર્દિકે બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં ફક્ત ૧૮ બોલમાં ૩૧ રન ફટકાર્યા બાદ બોલિંગ કરીને ૨૩ રનમાં એક વિકેટ પણ ઝડપી હતી. ધોનીએ વધુમાં જણાવ્યું હતું કે તેને ચાર ઓવર નાંખતો જોઈને સારું લાગ્યું. એનાથી અમારી તાકાત વધશે અને ફેરફારની જરૂર પડશે નહીં. લોકોને એમ લાગે છે કે સાત બેટ્સમેનની ટીમમાં જરૂર નથી, પરંતુ હાર્દિક જેવા ખેલાડી સાથે મેચમાં ઊતરવામાં કંઈ ખોટું નથી.
ધોનીએ અનુક્રમે ૩૬ તથા ૩૪ વર્ષના આશિષ નેહરા અને યુવરાજ સિંહના વલણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તે બન્ને ખેલાડીઓ ટીમની રણનીતિના મહત્ત્વના ખેલાડીઓ છે. નેહરાને ટી૨૦ વર્લ્ડ કપ સુધી ફિટ રાખવા માટે પોતાનું શિસ્તબદ્ધ રૂટિન જાળવી રાખવાની અનુમતિ આપવા પણ તૈયાર છું. યુવરાજના વલણ અંગે ધોનીએ શાંતિ રાખવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશ સામે યુવરાજના ૧૫ રન અંગે પૂછવામાં આવતા ધોનીએ જણાવ્યું હતું કે તેનું વલણ યોગ્ય છે. કોઈ પણ ખેલાડી અચાનક મેદાન પર જઈને લાંબા શોટ્સ ન ફટકારી શકે. બોલની ગુણવત્તા પ્રમાણે પણ બેટિંગ કરવી જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter