ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇંડિયાની વિરાટ સિદ્ધિ

Wednesday 16th August 2017 07:20 EDT
 
 

પલ્લીકલઃ ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે શ્રીલંકાને ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે એક ઇનિંગ અને ૧૭૧ રને હરાવીને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ૩-૦થી જીતી યજમાન ટીમનો વ્હાઇટવોશ કર્યો છે. ૧૯૩૨થી ટેસ્ટ ક્રિકેટ રમતી ભારતીય ટીમે આ સિદ્ધિ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વાર ૩-૦થી ક્લીનસ્વીપ કરવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. વિદેશી ધરતી પર ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં તમામ ત્રણેય ટેસ્ટ જીતવા માટે ભારતને ૮૫ વર્ષ રાહ જોવી પડી છે. અત્યાર સુધી વિદેશી ધરતી પર ભારતીય ટીમ બે મેચની સિરીઝ ૨-૦થી જ જીતી શકી છે. કોઈ પણ ભારતીય કેપ્ટન ૩-૦ જેટલી વિરાટ સફળતા મેળવી શક્યો નહોતો.
૨૮ વર્ષીય વિરાટ કોહલીએ ૨૯મી મેચમાં કેપ્ટનશીપ કરતાં આ સિદ્ધિ મેળવી હતી. ત્રીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૪૮૭ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં ૧૩૫ રન બનાવીને ઓલઆઉટ થતાં ફોલોઓન થઈ હતી. ફોલોઓન બાદ ૩૫૨ રનના જંગી દેવા સાથે બીજા દાવમાં ઊતરેલી શ્રીલંકાની ટીમે ભારતીય બોલરો સામે ઘૂંટણ ટેકાવી દેતાં ૧૮૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ત્રણ મેચની સિરીઝમાં બે સદી સાથે કુલ ૩૫૮ રન બનાવર ઓપનર શિખર ધવનને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. જ્યારે ૧૯૮ રન બનાવવા ઉપરાંત એક વિકેટ ઝડપનાર હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યો હતો.

ધોનીનો રેકોર્ડ તોડતો કોહલી

વિદેશી ધરતી પર ટેસ્ટ મેચ જીતવાના મામલે વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ત્રીજી ટેસ્ટમાં જીત સાથે વિદેશી ધરતી પર વિરાટની કેપ્ટનશીપમાં આ સતામી ટેસ્ટ મેચ જીત હતી. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ વિદેશમાં છ ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. હવે કોહલી કરતાં એક માત્ર સૌરવ ગાંગૂલી ૧૧ ટેસ્ટ મેચની જીત સાથે આગળ છે.

વિરાટના નેતૃત્વમાં ૧૯મી ટેસ્ટ જીત

ભારતે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં કુલ ૨૯ ટેસ્ટ મેચ રમી છે કે જેમાંથી કુલ ૧૯ ટેસ્ટ મેચ જીતી છે. આ સાથે કોહલી ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ધોનીએ ૬૦ ટેસ્ટમાં સુકાન સંભાળતા ૨૭ ટેસ્ટમાં જીત અપાવી હતી. અને તે પ્રથમ સ્થાને છે. સૌરવ ગાંગુલીએ ૪૯ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતાં ભારતને ૨૧ મેચમાં જીત અપાવી હતી.

હોમગ્રાઉન્ડ પર ભારતનો દબદબો

ભારતને પોતાની ધરતી પર માત્ર ચાર જ સિરીઝમાં તમામ મેચ જીતવામાં સફળતા મળી છે. જેમાં સૌથી પહેલા અઝહરુદ્દીનની કેપ્ટનશિપમાં ૧૯૯૩માં ઇંગ્લેન્ડને ૩-૦થી પરાજ્ય આપ્યો હતો જ્યારે ૧૯૯૪માં શ્રીલંકાને ૩-૦થી હાર આપી હતી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ઓસ્ટ્રેલિયાના ૨૦૧૩માં યોજાયેલી હોમ સિરીઝમાં ૪-૦થી હરાવ્યું હતું. આ ઉપરાંત ભારતે ગત વર્ષે ન્યૂઝિલેન્ડને ૩-૦થી હાર આપી હતી. ભારતે પ્રથમ વાર વિદેશી ધરતી પર સામેની ટીમનો વ્હાઇટવોશ કર્યો છે.

૭૮મી સિરીઝમાં રચાયો ઇતિહાસ

વિદેશી ધરતી પર ભારતની આ ૭૮મી સિરીઝ હતી, જે પૈકી આ ૧૮મો વિજય છે. ભારતે પ્રથમ વાર ૩-૦થી વ્હાઈટવોશ કરવામાં સફળતા મેળવી. ૧૯૩૨થી ભારતે ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. પ્રથમ વાર ઇંગ્લેન્ડમાં રમાયેલી એક માત્ર ટેસ્ટની સિરીઝમાં સી. કે. નાયડુએ ભારતની કેપ્ટનશીપ
સંભાળી હતી.
અત્યાર સુધી ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૩૩ કેપ્ટન બન્યા છે. જેમાં એક માત્ર વિરાટ કોહલીએ આ સિદ્ધિ અપાવી છે. વિદેશી ધરતી પર ભારતે સૌથી પહેલાં ૧૯૬૮માં ટાઇગર પટૌડીના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડને ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૩-૧થી પરાજ્ય આપ્યો હતો. તે પછી ભારતે કપિલ દેવની કેપ્ટનશીપમાં ૧૯૮૬માં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડ સામે ૨-૦થી જીત મેળવી હતી. ૨૦૦૪માં રાહુલ દ્રવિડ કેપ્ટન હતો ત્યારે ભારતે પાકિસ્તાનને ૨-૧થી પરાજ્ય આપ્યો હતો. આ ઉપરાંત બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે બાંગ્લાદેશને ૨૦૦૪-૦૫, ઝિમ્બાબ્વેને ૨૦૦૫-૦૬ અને ફરી બાંગ્લાદેશને ૨૦૦૯-૧૦માં ૨-૦થી હાર આપી હતી. ૨૦૧૫માં કોહલીની કેપ્ટનશીપમાં ભારતે શ્રીલંકાને ૨-૧થી પરાજ્ય આપ્યો હતો.

૮૫ વર્ષમાં પહેલીવાર વિદેશમાં ક્લીનસ્વીપ

ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાને એક દાવ અને ૧૭૧ રનથી હરાવીને શ્રેણી ૩-૦થી ક્લીન સ્વીપ કરી છે. ટીમ ઇંડિયાએ તેના ૮૫ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત વિદેશમાં ત્રણ અથવા તેનાથી વધુ મેચોની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી છે.
• બેટિંગ: પહેલી બે ટેસ્ટમાં ભારતીય ટીમે ૬૦૦થી વધુ રનનો સ્કોર કર્યો. પહેલા દાવમાં સૌથી ઓછો સ્કોર ૪૮૭ રનનો રહ્યો.
• કેપ્ટનશીપ: બેટિંગ, બોલિંગ કે ફિલ્ડીંગ - કોઈ પણ ક્ષેત્રે શ્રીલંકાને તક ન આપી. શ્રીલંકન ધરતી પર સુકાની તરીકે સૌથી વધુ પાંચ ટેસ્ટ જીતવાનો વિક્રમ બનાવ્યો.
• બોલિંગ: ત્રણેય ટેસ્ટમાં શ્રીલંકાને બંને દાવમાં ઓલઆઉટ કર્યું. શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-૪ બોલર ભારતીય.

મેચના વન-ટુ-થ્રી

• પહેલી વખત કોઈ એશિયન ટીમે વિદેશી પ્રવાસ પર ત્રણ અથવા વધુ મેચોની શ્રેણીમાં વ્હાઈટ વોશ કર્યો.
• બીજી વખત શ્રીલંકાનો અત્યાર સુધીમાં ઘરેલુ સીરિઝમાં વ્હાઈટ વોશ થયો છે. ૨૦૦૩-૦૪માં ઓસ્ટ્રેલિયાએ ૩-૦થી હરાવ્યા હતા.
• ત્રીજી વખત ભારતે શ્રેણીમાં એક દાવની સરસાઈ મેળવી. કોઈ એક શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter