ડોપિંગમાં શંકાસ્પદ ભારતીય એથ્લીટ પર પ્રતિબંધ

Monday 29th May 2017 08:27 EDT
 
 

નવી દિલ્હીઃ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (‘નાડા’)એ પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હોવાની આશંકાથી ભારતના એક ટોચના એથ્લીટ પર અચોક્કસ મુદતનો પ્રતિબંધ લગાવી દીધો છે. ઈંચિયોનમાં એશિયન ગેમ્સ-૨૦૧૪ અને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમનો ભાગ રહેલા એથ્લીટ પર પ્રતિબંધિત દવા મેલ્ડોનિયમનું સેવન કરવાનો આરોપ છે.

‘નાડા’ના ડાયરેક્ટર નવીન અગ્રવાલે ૨૪ મેના રોજ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એથ્લીટ પર ૨૨ મેના રોજથી અચોક્કસ મુદતનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, તેમણે તે એથ્લીટનું નામ જાહેર કરવાની ના પાડી દીધી હતી. તેમણે તે પણ કહ્યું હતું કે પતિયાલાના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્પોર્ટ્સ (એનઆઈએસ)માં એથ્લીટ્સ હોસ્ટેલના રૂમમાંથી પ્રતિબંધિત મેલ્ડોનિયમથી ભરેલી ૨૦ સિરિંજ મળી હતી.

અગ્રવાલના જણાવ્યા અનુસાર ‘નાડા’એ ભારતીય એથ્લેટિક્સ સંઘને આદેશ આપ્યો છે કે તે એથ્લીટને એનઆઈએસ અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રીય શિબિરમાંથી બહાર કરવાનો આદેશ આપે અને પોતાને નિર્દોષ સાબિત ન કરે ત્યાં સુધી પુનરાગમન કરી શકશે નહીં. ‘નાડા’ના અધિકારીઓની એક ટીમે એનઆઈએસમાં ગયા મહિને અચાનક દરોડા પાડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter