ત્રીજી ટી૨૦ ભારત ૮ વિકેટે હાર્યુંઃ ઇંગ્લેન્ડને સરસાઇ

Wednesday 17th March 2021 05:32 EDT
 
 

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મંગળવારે રમાયેલી ત્રીજી ટ્વેન્ટી૨૦ મેચમાં ભારતને આઠ વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોરોના મહામારીના વધતા ખૌફ વચ્ચે દર્શકોની ગેરહાજરીમાં રમાયેલી મેચમાં ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઝમકદાર બેટિંગે જોકે ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. આ વિજય સાથે જ પાંચ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડ ૨-૧થી સરસાઇ મેળવી છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઇંડિયાએ શાનદાર વિજય મેળવ્યો હતો.
ઇંગ્લેન્ડની ટીમે ૧૫૭ રનના ટાર્ગેટનો પીછો કરતા ખુબ જ સારી શરૂઆત કરી હતી. જોકે ચહલે પોતાની પ્રથમ ઓવરમાં જ ઇંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. જેશન રોય ૯ રનનાં સામાન્ય સ્કોર પર પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જોકે જોશ બટલરે તાબડતોડ બેટિંગ કરી માત્ર ૨૬ બોલમાં હાફ સેન્ચ્યુરી પૂર્ણ કરી હતી. બાદમાં વોશિંગટન સુંદરે ઇંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. તેણે ડેવિડ મલાનને ૧૮ રને રિષભ પંતના હાથે સ્ટમ્પિંગ કરાવી આઉટ કર્યો હતો.
જોકે પાવરપ્લે ઇંગ્લેન્ડની ટીમ માટે ખુબ જ સારો સાબિત થયો હતો. તેમણે એક વિકેટ ગુમાવીને ૫૭ રન કરી લીધા હતા અને બાદમાં જોસ બટલર ટીમ ઇન્ડિયા માટે ખતરનાક સાબિત થયો હતો. તેણે માત્ર ૫૨ બોલમાં ૮૩ રન ફટકાર્યા હતા. તેનો સાથ જોની બેરિસ્ટોએ આપતા તેણે પણ ૨૮ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને ૮ વિકેટે મોટી જીત અપાવી હતી. આમ મહેમાન ઇંગ્લેન્ડે યજમાન ટીમે પેલા ટાર્ગેટને ૧૮.૨ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. આ સાથે જ પાંચ મેચોની સિરીઝમાં ૨-૧થી સિરીઝ પર લીડ મેળવી લીધી હતી.
ભારતીય ટીમના ઓપનર કે. એલ. રાહુલનું ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-૨૦ સિરીઝમાં ખરાબ પ્રદર્શન યથાવત રહ્યું હતું. છે. તે ત્રીજી મેચમાં પણ ખાતું ખોલાવ્યા વગર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વુડે તેને બોલ્ડ કર્યો હતો. વુડે ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર રાહુલને આઉટ કર્યો હતો. સાત રનના સ્કોર પર ભારતને રાહુલ સ્વરૂપે પ્રથમ ઝટકો મળ્યો હતો. રોહિત શર્મા પણ આ મેચમાં સસ્તામાં આઉટ થયો. તે માત્ર ૧૫ રન બનાવી શક્યો. તેને માર્ક વુડે જોફ્રા આર્ચરના હાથમાં કેચ આઉટ કરાવ્યો. આમ ૨૦ રનનાં સ્કોર પર ભારતને બીજો ઝટકો મળ્યો હતો.
પોતાની ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચ્યુરી ફટકારનાર ઇશાન કિશન આ મેચમાં તેની રમત દેખાડી શક્યો નહોતો. તે ૯ બોલમાં ૪ રન બનાવીને આઉટ થઇ ગયો. શ્રેયસ અય્યર પણ ૯ બોલમાં ૯ રન કરીને આઉટ થઇ ગયો હતો. રિષભ પંત ૧૭ બોલમાં ૨૫ રન બનાવીને આઉટ થઇ ગયો હતો.
જોકે કેપ્ટન વિરાટ કોહલીએ સુકાન સંભાળી લીધું હતી અને તેણે ૪૬ બોલમાં શાનદાર ૭૭ રન ફટકાર્યા હતા. જોકે ત્યાં જ હાર્દિક પંડ્યાએ ૧૭ બનાવી આઉટ થઇ ગયો હતો. ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરના અંતે ઇંગ્લેન્ડને જીતવા માટે ૧૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વિરાટ કોહલીએ બનાવ્યો રેકોર્ડ
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી-૨૦માં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કોહલીએ ત્રીજી ટી-૨૦ મેચમાં અણનમ ૭૭ રન બનાવ્યા હતા. આ સાથે તે એવો ખેલાડી બની ગયો છે જેણે ૧૧ વખત કેપ્ટન તરીકે ૫૦થી વધુ વખત રન કર્યા હોય. વિરાટ કોહલી ટી-૨૦માં ૩૦૦૦થી વધુ રન બનાવનાર એક માત્ર ખેલાડી છે. કોહલીએ ટી-૨૦માં ૩૦૭૮ રન બનાવ્યા છે. કોહલીએ ૨૭થી વધુ વખત ૫૦થી વધુ રન બનાવ્યા છે. જોકે વિરાટ કોહલી ટી-૨૦ ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં એક વાર પણ સદી ફટકારી શક્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter