મુંબઇઃ મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે કુલ મળીને 13 ટાઇટલ છે પરંતુ ગઈ સિઝન તેમના માટે સંઘર્ષપૂર્ણ રહી હતી. ચેન્નાઈની ટીમે સંજુ સેમસનને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. જોકે સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, જેણે પોતાની નિવૃત્તિ અંગે હજી પણ સસ્પેન્સ જાળવી રાખ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સે કેમરૂન ગ્રીન (આ લીગના ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી) અને રચિન રવિન્દ્રને ટીમમાં ઉમેરીને બેટિંગ મજબૂત કરી છે. અજિંક્ય રહાણે કેપ્ટન તરીકે અને રિન્કુ સિંઘ ફિનિશર તરીકે આન્દ્રે રસેલની ખોટ પૂરવાનો પ્રયાસ કરશે.
મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વખતની ચેમ્પિયન ટીમ છે અને આ વખતે તે પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ પ્રદર્શન કરવા આતુર છે. મુંબઈ પાસે હંમેશાં સ્ટાર ખેલાડીઓ રહ્યા છે. રોહિત શર્માના અનુભવની સાથે આ વખતે તેઓ તાજેતરમાં વર્લ્ડ કપ જીતેલી ટીમના જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડયા પર આધાર રાખશે. આ જ ખેલાડીઓ માત્ર મુંબઈ ઇન્ડિયન્સ જ નહીં પરંતુ સમગ્ર આઈપીએલ 2026નું આકર્ષણ રહેશે. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ પણ આકર્ષણ બની રહેશે. શુભમન ગિલ જેવા કેપ્ટન પાસે વિશ્વના પ્રતિભાશાળી ખેલાડીઓની ફોજ છે. જેમાં અફઘાન સ્પિનર રાશીદ ખાન પણ સામેલ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ વધુ એક ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે તો દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનો સુપર જાયન્ટ્સ તેમના પ્રથમ ટાઇટલની શોધમાં હશે.
બોલિંગની નબળાઈ અને સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી
બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ એમ બંને ટીમ હાલ બોલિંગમાં નબળી જણાય છે. બેંગલોરની ટીમમાં જોશ હેઝલવુડ અને ડાબોડી સીમર યશ દયાલની ગેરહાજરી વર્તાશે. હેઝલવુડ હાલ ઓસ્ટ્રેલિયામાં રિહેબ હેઠળ છે, જ્યારે યશ દયાલ જાતીય સતામણીના આરોપોને કારણે સમગ્ર સિઝન બહાર રહેશે. હવે ટીમની જવાબદારી ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા અને યુવાન બોલર મંગેશ યાદવ પર રહેશે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન પેટ કમિન્સ શરૂઆતની મેચોમાં ઉપલબ્ધ નથી, તેથી ઈશાન કિશન કાર્યકારી કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. હૈદરાબાદ પાસે બેકઅપમાં હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ જેવા વિકલ્પો છે પરંતુ સપાટ પિચ પર તેઓ પડકારરૂપ બની શકે છે. બંને ટીમ તેમની બેટિંગ શક્તિ દ્વારા બોલિંગની ખામીઓને છુપાવવા પ્રયાસ કરશે. આરસીબી પાસે વિરાટ કોહલી, ટિમ ડેવિડ અને કેપ્ટન રજત પાટીદાર છે તો હૈદરાબાદ પાસે ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેન જેવા વિસ્ફોટક બેટ્સમેનો છે.
વિરાટ કોહલી: પોતાની જાત સાથે જ સ્પર્ધા
ગયા વર્ષે જ્યારે બેંગલોરે તેનું પ્રથમ આઇપીએલ ટાઇટલ જીત્યું, ત્યારે કોહલીએ તેના ચમકતા કેબિનેટમાં એકમાત્ર ખૂટતી ટ્રોફીનો ઉમેરો કર્યો હતો. હવે પોતાનું વર્ષોજૂનું સપનું પૂરું કર્યા પછી શું આ દિગ્ગજ ખેલાડી આ સિઝનમાં પણ તેની એ જ જૂની તીવ્રતા જાળવી શકશે. આ સંદર્ભમાં, કોહલીનો મુકાબલો પોતાની જાત સાથે પણ હશે. જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે રમાયેલી વન-ડે સિરીઝ બાદ તે સંપૂર્ણ આરામ કરીને મેદાનમાં ઉતર્યો છે.
રોહિત શર્મા: એક નવા અવતારમાં
બીજી તરફ રોહિત શર્માનો કિસ્સો થોડો અલગ છે, જેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ પણ કિવિ ટીમ સામે જ હતી. એક બેટ્સમેન તરીકે તેણે ક્યારેય આઈપીએલમાં મેદાન ગજવ્યું નથી. 38 વર્ષીય રોહિતે ક્યારેય એક સિઝનમાં 538 થી વધુ રન ફટકાર્યા નથી. આ વખતે તે એક શાનદાર સિઝન રમીને આ રેકોર્ડ સુધારવા અને મુંબઈને છઠ્ઠું ટાઇટલ જીતાડવા માંગશે. રોહિત હાલમાં ફિટ દેખાઈ રહ્યો છે, તેણે પોતાનું વજન પણ ઘટાડયું છે, અને પહેલી મેચમાં ઝમકદાર દેખાવ પણ કર્યો છે.


