લંડનઃ મિડલસેક્સના પિન્નેરમાં હેડોન સ્કૂલ ખાતે રવિવાર 13 જુલાઈએ યોજાએલી પ્લે બેડમિન્ટન સિનિયર્સ 50+ ડબલ્સ ટુર્નામેન્ટમાં નવનાત બેડમિન્ટન ક્લબે વિજય હાંસલ કર્યો હતો. મનોરંજન, ફિટનેસ, અને મૈત્રીપૂર્ણ ભાવના સાથેની આ ટુર્નામેન્ટમાં વેગન બેડમિન્ટન લીગની તમામ ક્લબોના સક્રિય ખેલાડીઓએ ભાગ લીધો હતો.
નવનાત બેડમિન્ટન ક્લબના સમર્પિત ખેલાડીઓ ભૂપેન શેઠ, મનીષ બાખડા, ભાવેશ વોરા અને રવિ મિસ્ત્રીએ સ્પર્ધામાં ભારે ઉત્સાહ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. રમત પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા, ટીમવર્ક અને જોશ સાચે પ્રશંસાપાત્ર છે જેના થકી સંસ્થાને ગૌરવ પ્રાપ્ત થયું છે.
સ્પર્ધામાં સમગ્રતયા વિજેતા નીવડવા બદલ ભૂપેન શેઠ અને મનીષ બાખડા વિશેષ પ્રશંસાને પાત્ર છે. કોર્ટમાં તેમનું અભૂતપૂર્વ પરફોર્મન્સ તેમના અનુભવ, વ્યૂહાત્મક રમત અને મક્કમ નિર્ધારનો પુરાવો છે. સંસ્થાએ નવનાતનો ધ્વજ ઊંચે લહેરાતો રાખવા અને અન્યોને રમતો થકી સક્રિય રહેવાની પ્રેરણા આપતા રહેવા બદલ સહુ ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.