અમદાવાદઃ સૂર્યકુમાર યાદવે ઈતિહાસ રચ્યો. મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા બાદ તે ટી20 વર્લ્ડ કપ જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો. ટ્રોફી જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે ટીમ તેના બે નવા લક્ષ્યાંક પણ જાહેર કર્યા. 35 વર્ષીય સૂર્યકુમાર યાદવે ટ્રોફી જીત્યા બાદ નિવૃત્તિની અટકળોને ફગાવતા કહ્યું કે, મારું આગામી લક્ષ્યાંક 2028 લોસ એન્જિલિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. આ સાથે જ તે વર્ષે ટી20 વર્લ્ડ કપ પણ ડિફેન્ડ કરવાનો છે એ ના ભૂલતા.’ સૂર્યકુમારે આ નિવેદનથી સ્પષ્ટ કર્યું કે - તે આગામી બે વર્ષ સુધી તો ક્યાંય જવાનો નથી.
સૂર્યકુમાર યાદવ આઈસીસી પૂર્ણ સભ્ય દેશના કેપ્ટનોમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. તેણે કુલ 52 મેચમાં કેપ્ટન્સી કરી છે. જેમાંથી 42 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી છે. 8 મેચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. સૂર્યાની જીત ટકાવારી 80.77 છે. બીજા સ્થાને રોહિત શર્મા છે.
સૂર્યકુમારે ગંભીર સાથેના તાલમેલ અંગે કહ્યું કે, 'મને લાગે છે કે હું ગૌતમ ભાઈ સાથે 4 વર્ષ (કોલકાતા નાઈટ રાઈડર્સમાં) ક્રિકેટ રમ્યો છું. મને ખબર છે કે તેઓ કેવું વિચારે છે. તેઓ થોડું આગળ વધે અને હું થોડો આગળ વધુ એટલે બંનેના વિચારો મળે.’ સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ 2 વર્ષમાં કોઈપણ વખત કોચ સાથે દલીલ કરવી પડી નહોતી. આ ઉપરાંત એક પરફેક્ટ પ્લેઈંગ 11 નક્કી કરવા માટે ક્યારેય તેણે આખી રાત જાગવું પડયું નહોતું.
સૂર્યકુમાર યાદવે ટીમના ટ્રોફી જીતીશું જ એ એવા વિચાર અંગે કહ્યું કે, જ્યારે અમે ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમ્યા ત્યારે મને લાગ્યું કે અમે એક અલગ પ્રકારની રમત રમી રહ્યાં છીએ. મને ત્યારે સમજાયું કે હવે આગળ કેવી રીતે વધવાનું છે. અમે જ્યારે વિન્ડીઝ સામે વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ રમી રહ્યાં હતા ત્યારે ટીમની અંદર એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ હતો.’


