નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિના સભ્ય બન્યાં

Wednesday 10th August 2016 06:33 EDT
 
 

નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિનાં પ્રથમ ભારતીય મહિલા સભ્ય બન્યાં છે. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, કબડ્ડી ટેનિસ અને ગોલ્ફ જેવી રમતોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરેલી પહેલનું નેતૃત્વ હંમેશાં નીતા અંબાણીએ સંભાળ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિનું સભ્યપદ તાજેતરમાં મળવાથી તેઓ ખુશ છે. રિયો સમિતિના સભ્યો થવા માટેની ચૂંટણી બેથી ચાર ઓગસ્ટ વચ્ચે રિયો ડી જાનેરોમાં થઈ હતી. ૧૨૯મી ઓલિમ્પિક્સ સમિતિના સત્રમાં થયેલી ચૂંટણીમાં નીતાની પસંદગી થઈ હતી. નવી ચૂંટણી પ્રક્રિયા મુજબ નીતા સભ્ય બન્યાં અને તેઓ ૭૦ વર્ષની ઉંમર સુધી સભ્ય રહેશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિ સમર અને વિન્ટર ઓલિમ્પિક્સ ઉપરાંત પેરાઓલિમ્પિક્સનું સંચાલન કરે છે.
લુસાનમાં થયેલી એક પત્રકાર પરિષદમાં આઠ ઉમેદવારોની જાહેરાત કરતાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિના અધ્યક્ષ થોમસ બાકે કહ્યું હતું કે, આમાં RIOના શ્રેષ્ઠ વ્યક્તિઓના નામ છે. જેઓ પોતપોતાના ક્ષેત્રોમાં નિષ્ણાત છે. સભ્ય માટે થનારી ચૂંટણીના ઉમેદવારોમાં નીતા અંબાણી સામે સાઉથ આફ્રિકાના અનંત સિંહ (ફિલ્મ પ્રોડ્યુસર)નું નામ પણ હતું. ઓલિમ્પિક્સ સમિતિ માટે પસંદગી પામેલાં નીતા અંબાણીએ ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, કબડ્ડી, ટેનિસ અને ગોલ્ફ જેવી રમતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દર્શાવેલાં ઉત્સાહનું નેતૃત્વ અત્યાર સુધી કર્યું છે.
નીતા અંબાણી એવાં પહેલાં મહિલા તેમજ ત્રીજી ભારતીય વ્યક્તિ છે જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિના સભ્ય છે. તેમનાં પહેલાં સર દોરાબજી તાતા પણ રિયોના સભ્ય હતા. તેમજ રાજા રણધીર સિંહ પણ એના સન્માનીય સભ્ય છે.
આ વિશે નીતા અંબાણીએ કહ્યું હતું કે, મારું માનવું છે કે રમતમાં એ તાકાત છે જે યુવાઓને શારીરિક, માનસિક તૈયાર કરે છે. વિવિધ લોકોને નજીક લાવે છે તેમજ સંસ્કૃતિ અને પેઢીઓ વચ્ચેનું અંતર દૂર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter