પવારે ચેન્નઇની ફ્રેન્ચાઇઝી ખરીદવા મંજુરી આપી હતીઃ શ્રીનિવાસન્

Tuesday 02nd December 2014 05:12 EST
 

શ્રીનિવાસનના બચાવમાં કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરાઇ હતી કે, ભૂતપૂર્વ ક્રિકેટરો રવિ શાસ્ત્રી, સુનિલ ગાવસ્કર સહિતના ઘણા વ્યક્તિઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને ભારતીય ક્રિકેટ બોર્ડ એમ બંનેમાં ભૂમિકા ભજવતા હોય છે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં આમ જ ચાલે છે. હવે આ કેસની વધુ સુનાવણી આઠમી ડિસેમ્બરે આગળ વધશે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે એ બાબત પર ભાર મુક્યો હતો કે, શ્રીનિવાસન્ સાબિત કરે કે તેમની સામે હિતોના ટકરાવનો મામલો બનતો નથી. સોમવારની કાર્યવાહી દરમિયાન શ્રીનિવાસન્ તરફથી તેના વકીલ કપિલ સિબ્બલે દલીલો રજૂ કરતાં જણાવ્યું હતું કે, શ્રીનિવાસને ત્વરિત કાર્યવાહી કરી હતી અને તેમણે બોર્ડના પ્રમુખ તરીકેની ભૂમિકા નિષ્પક્ષ રીતે અદા કરી હતી.

શ્રીનિવાસન્ તરફથી કોર્ટને જણાવાયું હતું કે, જ્યારે તેમણે ૨૦૦૮માં આઇપીએલમાં ચેન્નઇ ફ્રેન્ચાઇઝી ખરીદવાનું નક્કી કર્યું તે પહેલાં આ અંગેની જાણ તે સમયના પ્રમુખ શરદ પવારને કરી હતી અને તેમણે જ શ્રીનિવાસનને મંજૂરી આપી હતી. શ્રીનિવાસન્ ફ્રેન્ચાઇઝી ખરીદી શકે તે માટે ભારતીય ક્રિકેટ બોર્ડના બંધારણમાં જે ફેરફારો કરાયા ત્યારે શરદ પવાર જ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ હતા.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter