ઇસ્લામાબાદ: ટી20 વિશ્વકપ 20226માં આવતા રવિવાર - 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા પર ઊભું થયેલું સસ્પેન્સ આખરે ખતમ થયું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની કડક ચેતવણી અને સંભવિત આર્થિક પ્રતિબંધોના દબાણ હેઠળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પોતાના બહિષ્કારના નિર્ણય પર નરમ પડયું.
રવિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે આઈસીસી અને પીસીબી વચ્ચે ચાર કલાક લાંબી મેરેથોન બેઠક યોજાઈ હતી. પાકિસ્તાને મેચ રમવાના બદલામાં આઈસીસી સામે ત્રણ શરતો રાખી હતી. જેમાં, • પીસીબી અને બીસીબીની પહેલી માંગ હતી કે ભારતને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી માટે વાટાઘાટો કરવાનું કહેવામાં આવે. • પીસીબી અને બીસીબીની બીજી માંગણી હતી કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય શ્રેણી રમાય. • ત્રીજી માંગણી હતી કે ભારતીય ટીમ આ વર્ષે શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરે. આઇસીસીએ જણાવ્યું હતું કે આ ત્રણેય શરત અંગેનો નિર્ણય તેમના અધિકારક્ષેત્રની બહાર છે. આઈસીસીના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને સંભળાવી દીધું હતું કે જો પાકિસ્તાન વિશ્વકપ દરમિયાન ભારત વિરુદ્ધની મેચો નહીં રમે તો તેને મેમ્બર્સ પાર્ટિસિપેશન એગ્રીમેન્ટનો ભંગ ગણવામાં આવશે. તેના ગંભીર પરિણામો આવી શકે છે.


