પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડે બીજી વાર ટી-20 વર્લ્ડ કપ જીત્યો

Tuesday 15th November 2022 09:12 EST
 
 

સિડની: ઓસ્ટ્રેલિયામાં દુનિયાના બીજા નંબરના સૌથી મોટા મેલબોર્ન સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ટી-20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ કબજે કર્યું છે. આ સાથે જ ઈંગ્લેન્ડ ટીમ વર્ષ 2010 બાદ ફરી એક વાર ટી-20 ચેમ્પિયન બની છે.
કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ઓપનિંગ જોડી રિઝવાન-બાબર ટીમને સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહી હતી અને ઈંગ્લેન્ડના દમદાર બોલિંગ આક્રમણ સામે પાકિસ્તાને સમયાંતરે વિકેટો ગુમાવી હતી.
ઈંગ્લેન્ડે ઈનિંગના પ્રારંભે શાહિન આફ્રિદી અને હેરિસ રઉફની પાવરફુલ બોલિંગના કારણે પાવર પ્લેમાં મહત્ત્વની 3 વિકેટ ગુમાવવાની સાથે 49 રન કર્યા હતા. એક સમયે, દબાણમાં લાગતી ઈંગ્લેન્ડ ટીમને બેન સ્ટોક્સની દમદાર બેટિંગે ઉગારી હતી. પાકિસ્તાનના મજબૂત બોલિંગ યુનિટના પાયાસમાન શાહિન આફ્રિદી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતાં સમયે ઈજાગ્રસ્ત થયો હતો અને આ કારણે તે ફક્ત 2.1 ઓવર જ બોલિંગ કરી શક્યો હતો. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ આ તકનો ફાયદો લઈને 137 રનના લક્ષ્યને 19 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું.
સ્ટોક્સનું યાદગાર યોગદાન
ફાઈનલ મેચમાં બેન સ્ટોક્સે 52 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વન-ડે વર્લ્ડ કપ 2019 બાદ, ફરી એક વાર ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવામાં સ્ટોક્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્રીજી વાર ટી-20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચનાર બાબર આઝમ એન્ડ ટીમ ઈંગ્લેન્ડ સામે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ઈંગ્લેન્ડના બોલર સેમ કરને 4 ઓવરમાં ફક્ત 12 રન આપી, 3 વિકેટ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ અને સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન શાનદાર રમત દાખવવા બદલ તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter