પાકિસ્તાનનો અળવીતરો નિર્ણયઃ ટી20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે

Wednesday 04th February 2026 02:05 EST
 
 

મુંબઇઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમ આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. જોકે પાકિસ્તાન સરકારે આ ટુર્નામેન્ટ માટે ટીમને શ્રીલંકા જવાની મંજૂરી આપી છે. જોકે તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત ભારત સામેની ગ્રુપ-સ્ટેજ મેચનો બહિષ્કાર કરશે.
આ નિર્ણય પાછળનું કોઈ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. બંને ટીમો શ્રીલંકાના કોલંબોમાં ગ્રુપ એની મેચમાં ટકરાવાની હતી. જો આ નિર્ણય પર પાકિસ્તાન અડગ રહેશે તો ભારતને આ ગ્રૂપની મેચમાં ફાયદો થઈ જશે અને સેમી ફાઈનલમાં પહોંચવાની તેની રાહ આસાન થઈ જશે.
પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં ભારત સામેની લીગ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરીને હવે મુશ્કેલીમાં છે. સૂત્રો અનુસાર, આઈસીસી કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે અને પાકિસ્તાન પર રૂ. 310 કરોડનો દંડ લગાવી શકે છે. જોકે, આઈસીસી હાલ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી રહ્યું છે. ભારત સામે ન રમવાની જાહેરાત પછી હવે પીસીબી ચીફ મોહસિન નકવી યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આઇસીસીની ચીમકી બાદ ટીમ જાહેર કરી હતી
બાંગ્લાદેશના સમર્થનમાં ટી20 વર્લ્ડ કપ નહી રમવાની અને બોયકોટ કરવાની મોટી-મોટી વાતો કરનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCR)ની પમકી આખરે પોકળ સાબિત થઈ હતી. ‘ભાઈચારા’ના નામે એક દિવસ પહેલા જે તેવર બતાવ્યા હતા તે આઇસીસીની એક જ ચેતવણી સામે ઓગળી ગયા છે. આઇસીસીએ પાકિસ્તાન સુપર લીગ માટે વિદેશી ખેલાડીઓને એનઓસી ન આપવાની ચીમકી આપતાં જ પીસીબીએ યુ-ટર્ન લઈ લીધો છે અને રવિવારે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી હતી. લાહોરના ગદાફી સ્ટેડિયમ ખાતે બોર્ડના હાઈ પરર્ફોર્મન્સ ડાયરેક્ટર અને મેન્સ સિલેક્શન કમિટીના સભ્ય આકિબ જાવેદ. નવા નિમાયેલા ટી20 કેપ્ટન સલમાન આગા અને બ્રાઈટ-બોલ હેડ કોચ માઈકલ જેમ્સ હેસને સંયુક્ત રીતે ટીમની ઘોષણા કરી હતી.
ટી-20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ બહાર થતાં સ્કોટલેન્ડનો સમાવેશ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ભારતમાં યોજાનાર આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) દ્વારા ભારત આવવાનો ઈનકાર કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ઈએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, આઈસીસીએ ઈમેઇલ દ્વારા બીસીબીને આ નિર્ણયની જાણ કરી હતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બાંગ્લાદેશ સરકારે ટીમને ભારત પ્રવાસની મંજૂરી આપી નહોતી. ત્યારબાદ બીસીબીએ પોતાની અસમર્થતા અંગે આઈસીસીને માહિતી આપી હતી. બોર્ડ મામલો આઈસીસીની વિવાદ નિવારણ સમિતિ સમક્ષ લઈ જવાની પણ વાત કરી હતી. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, તેમજ આઈસીસી પ્રતિક્રિયા શું રહી તે પણ સ્પષ્ટ નથી.
આ દરમિયાન, ICCએ તાજી રેન્કિંગના આધારે સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. સ્કોટલેન્ડ અગાઉ પણ પુરુષ ટી-20 વર્લ્ડ કપના કુલ 9માંથી 6 સંસ્કરણોમાં ભાગ લઈ ચૂક્યું છે.જેમાં 2007, 2009, 2016, 2021, 2022 અને 2024ના સંસ્કરણોનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter