પી.વી. સિંધુઃ જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય શટલર

Wednesday 22nd July 2026 07:05 EDT
 
 

ટોક્યો: ભારતીય બેડમિન્ટન ક્વીન પી.વી. સિંધુએ રવિવારે ટોક્યો ખાતે રમાયેલી જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ સિંધુએ ફાઈનલ મુકાબલામાં સ્થાનિક ફેવરિટ અને વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી અકાને યામાગુચીને સીધા સેટોમાં 21-14, 21-17થી પરાસ્ત કરીને કારકિર્દીનું પ્રથમ જાપાન ઓપન ટાઇટલ કબજે કર્યું છે. આ સાથે જ તે જાપાન ઓપનની 40થી વધુ વર્ષ જૂની હિસ્ટ્રીમાં મેન્સ કે વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતનારી સર્વપ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની છે. સાથેસાથે સિંધુએ તેના 19 મહિના લાંબા ટાઇટલના દુષ્કાળનો પણ અંત આણ્યો છે. ફાઇનલમાં સિંધુની શરૂઆત થોડી ધીમી હતી પરંતુ, બાદમાં નેટ પ્લે અને બેકહેન્ડ સ્મેશના જોરે પ્રથમ ગેમ 21-14થી જીતી હતી. બીજી ગેમમાં યામાગુચીએ વળતા પ્રહારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંધુએ પોતાની લીડ જાળવી બીજી ગેમ 21-17થી જીતીને ટાઇટલ પર કબજો જમાવ્યો હતો.

19 મહિના અને 16 ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ બાદ જીત

શટલર સિંધુએ છેલ્લે ડિસેમ્બર 2024માં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું હતું, જે બાદ 19 મહિનાના લાંબા અંતરાલ અને સતત સંઘર્ષ પછી તેણે જાપાન ઓપન જીતીને આ ઐતિહાસિક ખિતાબ મેળવ્યો છે. આ 19 મહિના દરમિયાન સિંધુએ મલેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, ઇન્ડોનેશિયા ઓપન અને ઓલ ઇંગ્લેન્ડ સહિત કુલ 16 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં ટાઇટલ વિના હાર મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter