પૂજારા માટે આનંદનો ત્રિવેણીસંગમ

Thursday 10th August 2017 07:12 EDT
 
 

કોલંબો, નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ગુરુવારે - ત્રણ ઓગસ્ટે એક દિવસમાં ત્રણ ખુશખબરીઓ મળી હતી. એક તો તે ગુરુવારે ટીમ ઇંડિયા તરફથી કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેના માટે આનંદની બીજી વાત એ હતી કે તેણે કરિયરની ૧૩મી સદી ફટકારી હતી. અને ત્રીજી મોટી ખુશખબરી એ હતી કે આ જ દિવસે દિલ્હીમાં ભારત સરકારની એવોર્ડ સમિતિએ અર્જુન પુરસ્કાર માટે તેના નામની જાહેરાત કરી હતી.
૫૦ ટેસ્ટ મેચ ગૌરવપૂર્ણ ઘડી
રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે ભારતીય ટીમમાં 'મિ. ડિપેન્ડેબલ'નું સ્થાન કોણ લેશે તેની સામે મોટો પ્રશ્નાર્થ હતો. જોકે, ભારતીય ક્રિકેટને રાહુલ દ્રવિડના વિકલ્પ માટે વધારે લાંબો સમય રાહ જોવી પડી નહીં અને ચેતેશ્વર પૂજારા તરીકે નવી ‘ધ વોલ’ મળી ગઇ છે. રાજકોટનો ચેતેશ્વર પૂજારા શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ રમવાની સાથે જ ૫૦મી ટેસ્ટમાં રમવાનું માઇલસ્ટોન હાંસલ કર્યું હતું. ચેતેશ્વર પૂજારાએ મેચ પૂર્વે જણાવ્યું હતું કે ‘મેં ક્રિકેટનો કક્કો શીખવાનું શરૂ કર્યું ત્યારથી જ ટેસ્ટ ક્રિકેટમાં રમવું મારું લક્ષ્યાંક રહ્યું હતું. હવે ભારત માટે ૫૦મી ટેસ્ટમાં રમવું તે ગૌરવની ક્ષણ છે. મારી કારકિર્દીમાં ચઢાવ-ઉતારભર્યા તબક્કા આવ્યા છે. પરંતુ મને મારી કારકિર્દીથી ખૂબ જ સંતોષ છે. વર્તમાન ફોર્મ જોતાં કારકિર્દીની ૫૦મી ટેસ્ટમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે આતુર છું.’
પૂજારાએ પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતા-સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર અરવિંદ પૂજારાને આપ્યો છે. ચેતેશ્વરે જણાવ્યું હતું કે ‘પિતા મારા માટે સર્વશ્રેષ્ઠ અને ખરાબ ટીકાકાર રહ્યા છે. ક્યારેક તેમણે ખૂબ જ આકરા શબ્દોમાં મારી ટીકા કરી છે. પરંતુ અમારી વચ્ચેની સમજણ હવે એવી થઇ ગઇ છે કે જેનાથી હવે વાતચીત દ્વારા નિષ્કર્ષ ઉપર પહોંચી જઇએ છીએ. હવે તેઓ મારા પ્રત્યે વધારે કડક રહ્યા નથી.’
પૂજારાના ૪૦૦૦ રન
દિગ્ગજ બેટ્સમેન પૂજારાએ શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ૧૩૩ રનની ઈનિંગ દરમિયાન કારકિર્દીના ૪,૦૦૦ ટેસ્ટ રન પુરા કર્યા હતા. તેણે ૫૦મી ટેસ્ટમાં આ માઈલસ્ટોન સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સાથે તેણે સૌથી ઝડપી ૪,૦૦૦ રન પુરા કરવામાં ભારતીય ક્રિકેટમાં દ્રવિડની સાથે સંયુક્તપણે ત્રીજો ક્રમ મેળવ્યો છે. દ્રવિડે પણ પૂજારાની જેમ ૮૪મી ઈનિંગમાં ૪,૦૦૦ ટેસ્ટ રન પુરા કર્યા હતા.
૫૦મી ટેસ્ટમાં સદીઃ સાતમો ભારતીય
પૂજારા કારકિર્દીની ૫૦મી ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો સાતમો અને વિશ્વનો ૩૬મો બેટ્સમેન બન્યો હતો. તેના અગાઉ ભારતના પોલી ઉમરીગર (૧૯૬૧), ગુડપ્પા વિશ્વનાથ (૧૯૭૯), કપિલ દેવ (૧૯૮૩), વીવીએસ લક્ષ્મણ (૨૦૦૪) અને વિરાટ કોહલી (૨૦૧૬) પોતપોતાની ૫૦મી ટેસ્ટમાં સદી ફટકારી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter