પૂણેમાં શિકારી ખુદ શિકારઃ સ્પિન ટ્રેકમાં ટીમ ઇંડિયા ખુદ ફસાઇ

Wednesday 01st March 2017 05:19 EST
 
 

પૂણેઃ સ્પિનર ફ્રેન્ડલી પીચ દ્વારા ઓસ્ટ્રેલિયા માટે પાથરેલી જાળમાં ટીમ ઇન્ડિયા જ ફસાઈ જતાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ૩૩૩ રને કારમો પરાજય થયો હતો. ૪૪૧ રનના અશક્ય જણાતા ટાર્ગેટ સામે ભારતીય ટીમના બેટ્સમેનો જાણે સ્પિન બોલરો સામે રમવાનું જ ભૂલી ગયા હોય તેમ એક પછી એક વિકેટ આપી દેતાં સમગ્ર ટીમ ૧૦૭ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
બીજી ઇનિંગમાં ભારતની તમામ ૧૦ વિકેટ સ્પિનરોએ ઝડપી હતી, જેમાં ઓકીફે ૩૫ રન આપી છ વિકેટ જ્યારે નાથન લાયને ૫૩ રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ભારતની પ્રથમ ઇનિંગમાં સ્ટીવ ઓકીફે છ અને નાથન લાયને એક વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન સ્પિનરો ભારતીય બેટ્સમેનો પર એટલા હાવી થઈ ગયા હતા કે, ટીમ ઇન્ડિયા બંને ઇનિંગ મળી માત્ર ૭૪ ઓવર જ બેટિંગ કરી શકી હતી.
પાંચ વર્ષ બાદ પરાજય
ભારતની હોમગ્રાઉન્ડ પર પાંચ વર્ષ બાદ આ પ્રથમ હાર હતી. આ પહેલાં વર્ષ ૨૦૧૨માં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો પરાજય થયો હતો. આ પરાજયને કારણે કોહલીની કેપ્ટનશિપમાં સતત ૧૯ મેચમાં અપરાજિત રહ્યા બાદ પ્રથમ હાર હતી. આ હારને કારણે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં દબાણ ભારતીય ટીમ પર આવી ગયું છે.
આવી હાર જરૂરી હતી: કોહલી
મેચમાં પરાજય બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારતને આ પ્રકારના પરાજયની જરૂર હતી, જેનાથી હકીકતની ખબર પડે કે ટીમ ક્યાં છે. અમારે કઈ દિશામાં કામ કરવાની જરૂર છે. લોકો વિચારતાં હતાં કે, અમે હારી શકતા નથી, જે થઈ શકતું નથી. અમે જો સારી રમત-ક્રિકેટ નહીં રમીએ તો કોઈ પણ ટીમ હરાવશે.
અમે યોજનામાં સફળ: સ્મિથ
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથે ટીમના જ્વલંત વિજય બાદ કહ્યું હતું કે પીચ સ્પિનરો માટે વધુ મદદરૂપ બની ગઇ હતી. અમે પ્રથમ બેટિંગ કરી સારી એવી લીડ મેળવી હતી અને ત્યારબાદ બોલરોએ શાનદાર બોલિંગ કરી જીત મેળવવામાં મદદ કરી હતી. આ જીત કઠોર પરિશ્રમનું પરિણામ છે. જે રીતે ખેલાડીઓએ પ્રદર્શન કર્યું છે તેનાથી અમને ગર્વ છે. અમે અમારી યોજનામાં સફળ
રહ્યા છીએ.
DRSમાં પણ ભારતનો સંઘર્ષ
ભારતને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં અઢી દિવસમાં ૩૩૩ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પાછળ બેટ્સમેનો ઉપરાંત અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)નો સાચી રીતે ઉપયોગ નહીં કરવાનું પણ એક કારણ છે. ભારતે ફિલ્ડિંગ દરમિયાન ચાર રિવ્યૂ લીધા હતા અને તમામ ખોટા પડ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ફિલ્ડિંગ દરમિયાન એક રિવ્યૂ લીધો હતો અને તે સાચો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ છ વખત રિવ્યૂ માગ્યો હતો અને બે વખત તે સાચા હતા. ભારતીય બેટ્સમેનોના ત્રણમાંથી માત્ર એક જ રિવ્યૂ સાચો સાબિત થયો હતો.
૧૩ વર્ષે ઘર આંગણે હાર
ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ ટેસ્ટ મેચ ૩૩૩ રનથી જીતી છે. ૪૪૧ રનના પડકારનો પીછો કરતા ભારત બીજી ઇનિંગમાં ૧૦૭ રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં ૨૮૫ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો ઘરઆંગણે ૧૩ વર્ષ પછી પરાજય થયો હતો. કોહલીની કેપ્ટન્સીમાં આ ભારતની ત્રીજી હાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter