પેરિસ ડાયમંડ લીગઃ ૧૦૦ મીટર રેસમાં પોવેલ વિજેતા

Thursday 09th July 2015 07:36 EDT
 
 

પેરિસ: પેરિસ ડાયમંડ લીગ એથ્લેટિક્સ મીટમાં જમૈકન દોડવીર અસાફા પોવેલે પુરુષ વિભાગની ૧૦૦ મીટરની રેસ જીતી છે, જ્યારે મહિલા વિભાગમાં જમૈકાની શેલી એન ફ્રેઝરે બાજી મારી છે. જમૈકાના ઝડપી દોડવીર અસાફા પોવેલે શાનદાર પ્રદર્શન કરતાં પેરિસ ડાયમંડ લીગ એથ્લેટિક્સ મીટમાં ૯.૮૧ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરની રેસ જીતી હતી.
ફ્રાન્સનો જીમી વિકાઉટ ૯.૮૬ સેકન્ડ સાથે બીજા સ્થાને રહ્યો હતો. વિકાઉટે ૧૦૦ મીટરમાં યૂરોપિયન રેકોર્ડની બરાબરી કરી હતી. અમેરિકાનો માઇકલ રોજર્સ ૯.૯૯ સેકન્ડના સમય સાથે ત્રીજા નંબરે રહ્યો હતો. અસાફા પોવેલે ૨૦૦૫માં ૧૦૦ મીટર રેસમાં ૯.૭૭ સેકન્ડનો સમય લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી ૨૦૦૮માં તેણે ૧૦૦ મીટર રેસમાં ૯.૭૪ સેકન્ડના સમય સાથે પોતાનો જ રેકોર્ડ તોડયો હતો. જેને પાછળથી પોતાના જ દેશના ઉસૈન બોલ્ટે તોડયો હતો.
જમૈકાની ૨૮ વર્ષીય શેલી એન ફ્રેઝર પ્રાઇઝે મહિલા વિભાગની ૧૦૦ મીટર રેસમાં ૧૦.૭૪ સેકન્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં બીજા સ્થાને નાઇજીરિયાની બ્લેસિંગ ઓકાગબેર ૧૦.૮૦ સેકન્ડ સાથે બીજા નંબરે રહી હતી. અમેરિકાની ઇંગ્લિશ ગાર્ડનરે ૧૦.૯૭ સેકન્ડ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter