નવી દિલ્હી: ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું. 27 વર્ષીય નીરજનો બેસ્ટ થ્રો 88.16 મીટરનો રહ્યો હતો. તેણે પ્રથમ થ્રોમાં જ આ અંતર હાંસલ કર્યું હતું પરંતુ બાકીના પાંચ થોમાં તે 90 મીટરનો આંકડો હાંસલ કરી શક્યો નહોતો. તેનો બીજો બેસ્ટ થ્રો 85.10 મીટરનો રહ્યો હતો અને તેણે પોતાના અંતિમ તથા છઠ્ઠા થ્રોમાં 82.89 મીટરનું અંતર હાંસલ કર્યું હતું. તેના ત્રણ થ્રો ફાઉલ રહ્યા હતા.
વેબરે 87.88 મીટરના પોતાના પ્રારંભિક થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો.બ્રાઝિલનો લૂઈસ મોરિસિયો ડા સિલ્વા 86.62 મીટર ત્રીજા પ્રયાસના બેસ્ટ થો સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. નીરજે ચાલુ વર્ષના મે મહિનામાં દોહા ડાયમંડ લીગમાં 90 મીટરનો પ્રથમ વખત આંકડો પાર કર્યો હતો. તે આ અંતર હાંસલ કરનાર ઓવરઓલ વિશ્વનો 25મો જેવલિન થ્રોઅર બન્યો હતો. 2022ની સ્ટોકહોમ ડાયમંડ લીગમાં નીરજ 89.94 મીટરના થો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.