ઓસ્લો: ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે નોર્વે ચેસ ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેણે ફાઈનલ રાઉન્ડમાં જીત નોંધાવીને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પ્રથમ ભારતીય ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ભારતીય ચેસના યુવા સિતારાએ અંતિમ રાઉન્ડમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવીને આ મોટી ઉપલબ્ધિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ આ ટુર્નામેન્ટ જીતી શક્યો નથી, અને તેણે પણ કોઇ ભારતીય ખેલાડી આ ટાઇટલ જીતે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
20 વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ અંતિમ દિવસે અત્યંત દબાણ વચ્ચે રમતા ક્લાસિકલ જીત નોંધાવી હતી, જેના કારણે તેને પૂરા 3 અંક મળ્યા હતાં. આ જીત સાથે તેણે કુલ 18 અંકો સાથે ટોચનું સ્થાન મેળવીને ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. દિવસની શરૂઆતમાં તે 15 અંકો સાથે ત્રીજા સ્થાને હતો, પરંતુ આખરી રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેણે તમામને પાછળ છોડી દીધા હતા.
કાર્લસન-ગુકેશને પણ પછાડ્યા
આ જીતની સૌથી મોટી ખાસિયત એ રહી કે પ્રજ્ઞાનાનંદે આ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર-1 ખેલાડી મેગ્નસ કાર્લસનને બે વખત ક્લાસિકલ મુકાબલામાં હરાવ્યો હતો. આ સિદ્ધિ કોઈપણ યુવા ખેલાડી માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટમાં ભારતીય વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશે પણ ભાગ લીધો હતો, પરંતુ તે ખિતાબની રેસમાંથી બહાર થઈ ગયો હતો. આમ છતાં, પ્રજ્ઞાનંદે ભારતની આશાઓને જીવંત રાખતા શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો હતો.
અંતિમ રાઉન્ડમાં ઐતિહાસિક જીત
ખિતાબી મુકાબલો ત્યારે નિર્ણાયક બન્યો જ્યારે અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર વેસ્લી સો પોતાની લીડ જાળવી શક્યા નહીં અને ડ્રો બાદ આર્માગેડન ટાઈ-બ્રેકમાં ફસાઈ ગયા. આ સ્થિતિએ પ્રજ્ઞાનાનંદા માટે દરવાજા ખોલી દીધા અને તેણે આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતા અંતિમ રાઉન્ડમાં જીત મેળવી લીધી હતી.
ધીમી શરૂઆત, શાનદાર વાપસી
પ્રજ્ઞાનંદ માટે આ ટુર્નામેન્ટ સરળ રહી ન હતી. શરૂઆતના રાઉન્ડમાં તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. પરંતુ બીજા હાફમાં તેણે જબરદસ્ત વાપસી કરી અને સતત બહેતર રમત દર્શાવી હતી. તેની આ જીત તેના આત્મવિશ્વાસ અને માનસિક મજબૂતીનું પ્રમાણ માનવામાં આવે છે.


