લંડનઃ આ ઉનાળામાં 13મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દરમિયાન વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે 45,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો આ નવો વિક્રમ સ્થાપિત થયો હતો. આ વર્ષની રકમ સાથે તમામ ઈવેન્ટ્સમાંથી પ્રાપ્ત કુલ સંયુક્ત દાનની રકમ 300,000 પાઉન્ડને વટાવી ગઈ છે, જેના થકી યુકે અને વિદેશમાં આરોગ્ય અને શિક્ષણક્ષેત્રમાં ગરીબીનિવારણના પ્રોજેક્ટ્સને સપોર્ટ અપાય છે.
નોર્થવૂડમાં મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે ગુરુવાર 17 જુલાઈએ યોજાએલો આ ઈવેન્ટ પ્રાઈડવ્યૂ ગ્રૂપની 40મી વર્ષગાંઠની ઊજવણી માટે પણ હતો. સીમાચિહ્નરૂપ કાર્યક્રમમાં દીર્ઘકાલીન ક્લાયન્ટ્સ, પાર્ટનર્સ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
વેસ્ટ ઈન્ડીઝ માટે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ક્રિસ ગેઈલ, ઈંગલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ડેરેન ગોઘ MBE જેવા ક્રિકેટ લેજન્ડ્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છ ખેલાડી સાથેની 6 ટીમોએ પ્રતિષ્ઠિત પ્રાઈડવ્યુ ક્રિકેટ કપ જીતવા સ્પર્ધા કરી હતી, જેમાં ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ ઓવેઈસ શાહ, સાજ મહમૂદ, એલેક્સ ટ્યુડોર, પોલ નિક્સન, અલી બ્રાઉન અને માર્ક સ્ટોનમેન દ્વારા ટીમોને કોચિંગ અને સપોર્ટ કરાયો હતો. બ્રિજિંગ લેન્ડર REIM Capital કપવિજેતા રહ્યા હતા જ્યારે પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સ Eastway Estates દ્વિતીય ક્રમે રહ્યા હતા.
કોમેડીઅન બીબીસી એશિયન નેટવર્કના પૂર્વ પ્રેઝન્ટર ટોમી સાંધુએ યજમાનપદ સંભાળ્યું હતું. લાઈવ અને ઓનલાઈન હરાજીઓના પરિણામે વિક્રમજનક ભંડોળ એકત્ર કરવામાં મદદ મળી હતી, જેમાં ઉપસ્થિત લોકો અને સપોર્ટર્સ દ્વારા ઉદાર દિલે યોગદાન અપાયું હતું.
ધ પ્રાઈડવ્યૂ ગ્રૂપના પ્રિન્સિપાલ નીલેશ રાજ પટેલે જણાવ્યું હતું કે, ‘અમારું 40મું વર્ષ અમે શેનું નિર્માણ કર્યું છે અને અમે જેના માટે ઉભા છીએ તેના પર ચિંતન કરવાની તક રહી છે. અમે હંમેશા બિઝનેસની સાથોસાથ પરત કરવાની ભાવનામાં માનતા રહ્યા છીએ. આ વર્ષના ઈવેન્ટથી સાબિત થયું છે કે ભાવના અગાઉથી પણ વધુ બળવત્તર રહી છે અને અમને સપોર્ટ કરનારા સહુના અમે આભારી છીએ. #PrideviewCricket 2026!” વખતે ફરી મળીશું.’
પ્રાઈડવ્યુ ક્રિકેટ કપ સ્પોર્ટ્સ, ફંડરેઈઝિંગ અને સંપર્કોના સમન્વય સાથે પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રીના ઉનાળુ કેલેન્ડરમાં ચાવીરૂપ ઈવેન્ટ રહ્યો છે. આ ઈવેન્ટ હવે 2026માં યોજાશે. વધુ માહિતી અથવા સામેલ થવા માટે [email protected] પર સંપર્ક કરી શકાશે.