લંડનઃ નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે ગુરુવાર 2 જુલાઈ 2026ના રોજ યોજાએલા 14મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 દરમિયાન વન કાઈન્ડ એક્ટ - One Kind Act ચેરિટી માટે 50,000 પાઉન્ડનું વિક્રમજનક ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ ફંડરેઈઝિંગ ઈવેન્ટ બન્યો હતો. ચેરિટીની મદદ માટેના ઈવેન્ટમાં પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રીના ક્લાયન્ટ્સ,પાર્ટનર્સ અને સમર્થકો ઉપસ્થિત હતા. આ સાથે પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દ્વારા યુકે અને દરિયાપાર હેલ્થકેર અને એજ્યુકેશન ઈનિશિયેટિવ્ઝ થકી ગરીબીનો સામનો કરવાના પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા અત્યાર સુધીમાં 400,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે.
આ ઈવેન્ટમાં વિશિષ્ટ મહેમાન માઈકલ વોઘન ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિશેષ પ્રશ્નોત્તરી સેશનમાં ભાગ લીધો હતો અને પોતાની નોંધપાત્ર ક્રિકેટ કારકિર્દીના અનુભવો તથા રમતના સૌથી ઊંચા સ્તરના નેતૃત્વ, ધીરજ અને સફળતાઓ વિશે પણ સહુને જણાવ્યું હતું. વોઘનના કપ્તાનપદ હેઠળ ઈંગ્લેન્ડે 2005માં એશીઝ વિજય હાંસલ કર્યો હતો.
2026ની ટુર્નામેન્ટ આ ઈવેન્ટની માઈલસ્ટોન બની રહી હતી, જેમાં ઈન્વેસ્ટેક અને સમિક્સ સૌપ્રથમ વખત પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપના મુખ્ય સ્પોન્સર બન્યા હતા અને આ સ્પર્ધાના સતત વિકાસ અને ચેરિટેબલ અસરને સપોર્ટ કરવામાં મદદ કરી હતી. છ-છ ખેલાડી સાથેની 6 ટીમ પ્રતિષ્ઠિત પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ માટે સ્પર્ધામાં ઉતરી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ ઓવાઈસ શાહ, સમિત પટેલ, અલી બ્રાઉન, અજમલ શાહજાદ, પોલ નિક્સન અને ટોમ વેસ્ટલેએ આ ટીમોને કોચિંગ અને સપોર્ટ પૂરા પાડ્યા હતા. ભારે સ્પર્ધાત્મક ઈવેન્ટમાં સૌપ્રથમ વખત સામેલ લેન્ડહબ ચેમ્પિયન બની હતી, જ્યારે ઈન્વેસ્ટેક રનર્સ-અપ રહી હતી. કોમેડિયન અને બીબીસી એશિયન નેટવર્કના પૂર્વ પ્રેઝન્ટર ટોમી સાંધુ ઈવેન્ટના હોસ્ટ હતા. વિક્રમજનક ફંડરેઈઝિંગ રકમ સુધી પહોંચવામાં લાઈવ ઓક્શનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી. મહેમાનોએ વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવામાં ઉદાર હાથે યોગદાન આપ્યું હતું.
પ્રાઈડવ્યૂ ગ્રૂપના પ્રિન્સિપાલ નીલેશ રાજ પટેલે જણાવ્યું હતું કે, ‘આ વર્ષનો પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ વન કાઈન્ડ એક્ટ માટે વિક્રમજનક ભંડોળ એકત્ર કરવામાં અત્યાર સુધીનો સૌથી સફળ ઈવેન્ટ છે, જેમાં ઈન્ડસ્ટ્રીના અમૂલ્ય મિત્રો, ક્લાયન્ટ્સ અને પાર્ટનર્સ એકત્ર થયા હતા. અમારા સ્પોન્સર્સ, પ્લેયર્સ અને ઉદારતાથી યોગદાન આપનારા સહુ કોઈના અમો આભારી છીએ.’
ઈન્વેસ્ટેક પ્રાઈવેટ બેન્કના બિઝનેસ ડેવલપમેન્ટ વડા ટોમ બ્રોડશોએ જણાવ્યું હતું કે, ‘ અમે ઈન્વેસ્ટેકમાં માનીએ છીએ કે મજબૂત ભાગીદારીઓનું નિર્માણ વિશ્વાસ, સહભાગી મૂલ્યો અને અર્થપૂર્ણ સંપર્કો થકી થાય છે. આથી જ, મહત્ત્વપૂર્ણ ચેરિટેબલ હેતુઓ માટે ભંડોળ એકત્ર કરવા સાથે બિઝનેસીસ, પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટીઓને સાથે લાવનારા ઈવેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપને સપોર્ટ કરતા અમને આનંદ થાય છે. ’
સમિક્સના ડેવલપમેન્ટ ડાયરેક્ટર ફોર અબર્ન સ્ટુઅર્ટ બ્લેકે જણાવ્યું હતું કે,‘ અમને પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપને સપોર્ટ કરવાનો ગર્વ છે. આ ઈવેન્ટ લોકોને સાથે લાવે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે એકત્ર કરાયેલી પ્રત્યેક પેની વન કાઈન્ડ એક્ટને તેના અદ્ભૂત કાર્યને આગળ વધારવામાં, યુકે અને વિશ્વમાં કોમ્યુનિટીઓ માટે સાચો તફાવત સર્જતી વ્યાપક સખાવતો અને ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવામાં મદદરૂપ બનશે.’


