પ્રાઈડવ્યૂક્રિકેટ કપ વાર્ષિક ઈવેન્ટમાં ચેરિટી માટે £35,000 એકત્ર કરાયા

Tuesday 25th July 2023 14:31 EDT
 
 

લંડનઃ પ્રાઈડવ્યૂ ગ્રૂપના 11મા વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક ક્રિકેટ ઈવેન્ટ પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સખાવતી હેતુઓ માટે 35,000 પાઉન્ડ એકત્ર કરાયા હતા. ગ્રેટર લંડનના નોર્થવૂડમાં મર્ચન્ટ ટેઈલર સ્કૂલ ખાતે 18 જુલાઈના ઈવેન્ટ દ્વારા દીર્ઘકાલીન ચેરિટી પાર્ટનર વન કાઈન્ડ એક્ટ ઉપરાંત, પ્રથમ વખત લેન્ડએઈડ (LandAid)ને પણ સપોર્ટ કરાયો હતો. પ્રાઈડવ્યૂ ગ્રૂપ યુકે અને વિશ્વમાં વિવિધ ચેરીટીઝને સપોર્ટ કરે છે. આ વર્ષના ફંડ સાથે પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સ્થાપનાથી અત્યાર સુધી વન કાઈન્ડ એક્ટ માટે 200,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે.

વન કાઈન્ડ એક્ટ ચેરિટી વિશ્વમાં આરોગ્ય અને શિક્ષણની ગરીબીથી પીડાતા લોકોના જીવનમાં ટકાઉ સુધારો લાવવા ઈચ્છે છે. આ વર્ષનું ભંડોળ ભારતમાં કચડાયેલા વર્ગોના બાળકોને પાયાની જરૂરિયાત અને શિક્ષણનો સપોર્ટ કરતી સંસ્થા યુવા અનસ્ટોપેબલ અને યુકેમાં યુવાઓમાં ઘરવિહોણી સ્થિતિનો અંત લાવવા કાર્યરત પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રી ચેરિટી લેન્ડએઈડ વચ્ચે વહેંચાશે.

છ ખેલાડી સાથેની (6-a-side) 6 ક્રિકેટ ટીમ વચ્ચે પ્રાઈડવ્યૂક્રિકેટ કપ હાંસલ કરવાના જંગમાં મેજર એસ્ટેટ હેરોની ટીમ સતત બીજા વર્ષે પ્રાઈડવ્યૂક્રિકેટ કપ જીતી હતી. જ્યારે ઈવેન્ટમાં નવી ટીમ કોર્ડેજ ગ્રૂપ બીજા સ્થાને રહી હતી. નાઈટ ફ્રાન્ક ટીમ અને મિડલસેક્સ D40 (ડિસેબિલિટી) ટીમ સંયુક્તપણે પ્રાઈવ્યૂ ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા રહી હતી. આ ટીમે દર્શાવ્યું હતું કે શારીરિક અને ન્યૂરોડાઈવર્સ તફાવતો સ્પોર્ટ્સમાં ભાગ લેવામાં અવરોધરૂપ બની શકે નહિ.

આ ઈવેન્ટમાં છ પૂર્વ ઈન્ટરનેશનલ ક્રિકેટર્સ ઓવેઈસ શાહ, યાસિર અરાફાત, એલેક્સ ટુડોર, અલી બ્રાઉન, સાજ મહમૂદ અને ઉસ્માન અફઝલે પણ ભાગ લઈ સિક્સ-એ-સાઈડ ટીમમાંથી એકને સપોર્ટ કર્યો હતો. ક્રિકેટની સાથોસાથ લાઈવ ઓક્શન અને રેફલના આયોજનથી કુલ 35,000 પાઉન્ડની રકમ એકત્ર કરવામાં મદદ મળી હતી. ધ પ્રાઈડવ્યૂ ગ્રૂપના પ્રિન્સિપાલ નીલેશ રાજ પટેલે જણાવ્યું હતું કે, આ ઈવેન્ટને ભારે સફળતા અપાવવા બદલ હું અમારા બધા સ્પોન્સર્સ, સમર્થકો અને દર્શકોનો આભાર માનવા ઈચ્છું છું. આજનો દિવસ ખૂબ મનોરંજક બની રહેવા સાથે સમગ્રતયા હેતુ હંમેશાંની માફક ચેરિટી માટે શક્ય તેટલાં વધુ નાણા એકત્ર કરવાનો જ રહે છે અને આપણે જે રકમ સુધી પહોંચી શક્યા તેનો ભારે રોમાંચ છે. મને બધી ટીમો માટે ગૌરવ છે અને દરેકના સપોર્ટ બદલ આભાર.’

આ ઈવેન્ટના સ્પોન્સર અને સમર્થકો નાઈટ ફ્રાન્ક, હેરોલ્ડ બેન્જામિન, ઓલ્સોપ LLP, વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ, આર. આર. સંઘવી એન્ડ કંપની, હાન્ડેલ્સબેન્કેન, કોર્ડેજ ગ્રૂપ, બિરક્રોફ્ટ, મેજર એસ્ટેટ હેરો, એક્ઝિઓમ DWFM, ઓઈસ્ટર પ્રોપર્ટીઝ, ચર્ચ સ્ટ્રીટ ડેન્ટલ પ્રેક્ટિસ અને BAME ઈન પ્રોપર્ટી લિમિટેડનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter