ન્યૂયોર્ક: અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત યજમાનીમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 48 ટીમો સાથે રમાનારા ફૂટબોલના આ મહાકુંભમાં ખિતાબ જીતવા માટે રોમાંચક જંગ ખેલાશે. આ ટ્રોફીના 96 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર આઠ જ દેશો ફૂટબોલ વર્લ્ડ કપ પર કબ્જો જમાવી શક્યા છે.
જોકે, આ વખતે પોર્ટુગલ, નેધરલેન્ડ, મોરક્કો, સેનેગલ, જાપાન, એક્વાડોર, તુર્કી અને નોર્વે એવા આઠ દેશો છે જેઓ પ્રથમ વખત ચેમ્પિયન બનવાના પ્રબળ દાવેદાર છે. દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પોતાના અંતિમ વર્લ્ડ કપમાં પોર્ટુગલને પહેલીવાર વિશ્વ વિજેતા બનાવીને પોતાનું અધૂરું સપનું પૂરું કરવા મેદાનમાં ઉતરશે. ફૂટબોલના આ મહાકુંભમાં કોણ જીતશે તે તો પરફોર્મન્સ પછી જ નક્કી થશે.
96 વર્ષમાં આઠ દેશો જ ટ્રોફી જીત્યા
ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફાના કુલ 211 સભ્ય દેશો છે. પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપ 1930માં ઉરુગ્વેમાં રમાયો હતો. 96 વર્ષમાં ફિફા વર્લ્ડ કપ માત્ર આઠ દેશો જ જીતી શક્યા છે. અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત યજમાનીમાં યોજાનાર ફુટબોલ વર્લ્ડ કપ 2026માં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે ક્વોલિફાયરમાં ઘણા એવા દેશોએ પ્રભાવિત કર્યા છે. જેઓ આજ સુધી ચેમ્પિયન બન્યા નથી. આમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પોર્ટુગલનો પણ સમાવેશ થાય છે. તમામ મોટા ખિતાબ જીતી ચુકેલા રોનાલ્ડોના ખાતામાં આ ફુટબોલ મહાકુંભની ટ્રોફી જ આવી નથી. વર્લ્ડ કપની શરૂઆત આવતા મહિનાથી થઈ રહી છે અને આર્જેસ્ટિના તેમાં ખિતાબ બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


