વોશિંગ્ટનઃ ફૂટબોલ ચાહકોના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે 11 જૂનથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે, જ્યારે ફાઇનલ જંગ 19 જુલાઈના રોજ ખેલાશે.
આ વખતે દુનિયાભરના રમતપ્રેમીઓની નજર ફૂટબોલ જગતના બે મહાનાયક લિયોનલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે. આ બંને દિગ્ગજ પોતાનો રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ રમવા માટે મેદાનમાં ઉતરશે. એક તરફ ડિફેન્ડિંગ અર્જેન્ટિનાનો કેપ્ટન મેસ્સી ટાઈટલ બચાવીને ઈતિહાસ રમવા ઈચ્છશે. જયારે બીજી તરફ, પોર્ટુગલનો રોનાલ્ડો પોતાના દેશને પ્રથમ વખત વિશ્વવિજેતા બનાવવાના ઈરાદા સાથે ઉતરશે.
ટાઈટલની રેસમાં અન્ય સ્ટાર સ્ટડેડ ટીમોની દાવેદારી પણ ખુબ જ મજબુત છે. 2024ની યુરો ચેમ્પિયન સ્પેન પોતાના વન્ડર બોય લામિને થમાલની મદદથી ટ્રોફી જીતવાની સ્વપ્ન જોઈ રહી છે. બીજી તરફ. ગત ફાઈનલમાં હેટ્રિક જમાવનાર કિલિયન એમ્બાપેની ફ્રાન્સ, હેરી કેનની ઈંગ્લેન્ડ, વિનિસિયસ જુનિયરની બ્રાઝિલ અને ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને પણ ઓછામાં આંકી શકાય નહીં. આ વખતે કેપ વર્ડે, કુરાકાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાનના રૂપમાં ચાર ટીમ વર્લ્ડ કપમાં પદાર્પણ કરી રહી છે.
મેક્સિકો રેકોર્ડ ત્રીજી વખત આયોજક
વર્લ્ડ કપના 96 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ત્રણ દેશ એક સાથે યજમાની કરી રહ્યા છે. મેક્સિકો પ્રથમ દેશ છે, જ્યાં ત્રીજી વખત વર્લ્ડ થવા જઈ રહ્યો છે. 1970 અને 1986માં પણ વર્લ્ડ કપ રમાયો હતો. અમેરિકાને બીજી વખત યજમાની મળી છે. અહિંયા 1994માં વર્લ્ડ કપ રમાઈ ચુક્યો છે. જ્યારે કેનેડા પ્રથમ વખત યજમાની કરી રહ્યું છે.
આ વખતે વર્લ્ડ કપમાં પ્રથમવાર 48 ટીમ ભાગ લઈ રહી છે. તેથી ફોર્મેટમાં પણ મોટા બદલાવ કરવામાં આવ્યા છે. તમામ ટીમોને 4-4 ના ગ્રુપમાં 12 ગ્રુપમાં વિભાજિત કરી છે. એક ગ્રુપમાં ટીમ સામસામે એક-એક મેચ રમશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સાથે ત્રીજા ક્રમાંક પર રહેનારી 8 બેસ્ટ ટીમ નોકઆઉટમાં પહોંચશે. ત્યારબાદ 32 ટીમો વચ્ચે નોકઆઉટ મેચો રમાશે.
20 વર્ષ પછી પણ આ 4 સ્ટાર્સ વર્લ્ડ કપમાં
આ વખતે ટુર્નામેન્ટમાં 1248 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આમાંથી માત્ર 4 જ ખેલાડીઓ એવા છે, જે 20 વર્ષ પહેલા જર્મનીમાં આયોજિત વર્લ્ડ કપનો પણ ભાગ હતા. વર્ષ 2006માં યોજાયેલા વર્લ્ડ કપમાં 736 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી લિઓનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, મેક્સિકોના ગુઇલેર્મો ઓચોઆ અને ક્રોએશિયાના લૂકા મોડ્રિચ આ વખતે પણ મેદાન પર જોવા મળશે.
ઇતિહાસનો સૌથી વધુ વિસ્તરેલો વર્લ્ડ કપ
કેનેડાથી લઈને અમેરિકાના મિયામી વચ્ચેનું આશરે 4500 કિલોમીટરનું અંતર છે જે ટુર્નામેન્ટને સૌથી વધુ વિસ્તરેલો વર્લ્ડ કપ બનાવે છે. 2022નો કતાર વિશ્વ કપ સૌથી નાનો હતો, જ્યાં બે સ્ટેડિયમ વચ્ચેનું સૌથી વધુ અંતર માત્ર 55 કિલોમીટર હતું.
48 ટીમ અને 12 ગ્રૂપ
ગ્રૂપ-A: મેક્સિકો, દ. આફ્રિકા, દક્ષિણ કોરિયા, ચેક રિપબ્લિક
ગ્રૂપ-Bઃ કેનેડા, બોસ્નિયા-હર્ઝેગોવિના કતાર, સ્વિટ્ઝર્લેન્ડ
ગ્રૂપ-C: બ્રાઝિલ, મોરોક્કો, હૈતી, સ્કોટલેન્ડ
ગ્રૂપ-D: અમેરિકા, પરાગ્વે, ઓસ્ટ્રેલિયા, તુર્કિયે
ગ્રૂપ-E: જર્મની, કુરાકાઓ, આઈવરી કોસ્ટ, ઇક્વાડોર
ગ્રૂપ-F: નેધરલેન્ડ્સ, જાપાન, સ્વીડન, ટ્યુનિશિયા
ગ્રૂપ-G: બેલ્જિયમ, ઇજિપ્ત, ઇરાન, ન્યૂઝીલેન્ડ
ગ્રૂપ-Hઃ સ્પેન, કેપ વર્ડે, સાઉદી અરેબિયા, ઉરુગ્વે
ગ્રૂપ-I: ફ્રાન્સ, સેનેગલ, ઇરાક, નોર્વે
ગ્રૂપ-J: આર્જેન્ટિના અલ્જીરિયા, ઓસ્ટ્રિયા, જોર્ડન
ગ્રૂપ-Kઃ પોર્ટુગલ, કોંગો, ઉઝબેકિસ્તાન, કોલંબિયા
ગ્રૂપ-Lઃ ઇંગ્લેન્ડ, ક્રોએશિયા, ઘાના, પનામા


