બર્મિંગહામ મેચમાં કાશ્મીરની આઝાદીના બેનરો દેખાયા

Monday 05th June 2017 09:36 EDT
 
 

બર્મિંગહામઃ એજબસ્ટન ગ્રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચનો પ્રારંભ થયો તે પહેલાં તહરિક-એ-કાશ્મીર યુકે નામના પાકિસ્તાન પ્રેરિત જૂથ દ્વારા કાશ્મીરની આઝાદી માટે નારેબાજી કરાઈ હતી. આ સંગઠનના લોકોએ ભારતવિરોધી દેખાવો પણ કર્યા હતા. જોકે સ્ટેડીયમની બહાર થયેલા દેખાવો દરમિયાન ભારત તરફી પ્રક્ષકોએ પણ સામી નારાબાજી કરી હતી. ભારતીય મૂળના દર્શકોએ 'મોદી મોદી' તેમજ 'કાશ્મીર હમારા હૈ'ના સુત્રોચ્ચારો તેમજ બ્યુગલોનો ઘોંઘાટ કરી કાશ્મિર તરફી દેખાવકારોને પડકાર્યા હતા. જોકે બન્ને જુથો વચ્ચે કોઇ ઝપાઝપી થઇ હોવાના અહેવાલો નથી. આ અંગેની વિડીયો ક્લીપ વોટ્સએપ અને ફેસબુક જેવા સોશ્યલ મીડીયા પર પણ ફરતી થઇ હતી. 

ગુપ્તચર તંત્રના અહેવાલો પ્રમાણે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચ માટે ૧૪થી વધારે એજન્ટો મોકલ્યા હતા. આ એજન્ટોને સ્થાનિક સંગઠનોની મદદથી વૈશ્વિક મીડિયાનું ધ્યાન ખેંચાય એ રીતે ભારતવિરોધી ધરણાં-પ્રદર્શન યોજવાનું કામ સોંપાયું હતું. આઈએસઆઈએ એવા બેનરો તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો હતો જેમાં કાશ્મીરની આઝાદીની વાત કરાઈ હોય.

આ આદેશને પગલે જ બર્મિંગહામ મેચમાં ‘કાશ્મીર લહુલુહાન હૈ’, ‘હમ કાશ્મીર કે સાથ હૈ’, ‘કાશ્મીર કો આઝાદ કરો’, અને ‘કાશ્મીર માંગ રહા હૈ આપ કી નજર’ જેવા બેનરો જોવા મળ્યા હતા. આઈએસઆઈ છેલ્લા ઘણા સમયથી કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ વૈશ્વિક મત ઊભો કરવા પ્રયાસ કરી રહી છે. આ માટે તેઓ અલગતાવાદીઓને આર્થિક અને વૈચારિક રીતે સાથ આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter