બીસીસીઆઇએ આઇપીએલમાંથી વિવાદિત સોફ્ટ સિગ્નલ નિયમ હટાવ્યો

Friday 02nd April 2021 09:33 EDT
 
 

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૪મી સિઝન શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ)એ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને વિવાદિત સોફ્ટ સિગ્નલ નિયમને આઇપીએલ-૨૦૨૧માંથી હટાવ્યો છે. આઈપીએલની પ્રથમ મેચ નવમી એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે આઈપીએલ ૨૦૨૧ દરમિયાન ત્રીજા અમ્પાયરને નિર્ણય માટે રિફર કરતાં પહેલાં મેદાન પરના અમ્પાયરે સોફટ સિગ્નલ આપવાની કોઈ જરૂર રહેશે નહીં. નોંધનીય છે કે તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી૨૦ સિરીઝ દરમિયાન સોફ્ટ સિગ્નલનો નિયમ સતત ચર્ચામાં રહ્યો હતો.

સોફ્ટ સિગ્નલ શું હોય છે?
જ્યારે પણ કોઈ પણ પ્રકારના ક્લોઝ કેચ અથવા વિકેટને લઇને સ્થિતિ અસ્પષ્ટ હોય ત્યારે મેદાન પરના અમ્પાયર ત્રીજા અમ્પાયરને ફરીથી ચેક કરવા માટે જણાવે છે. જોકે ત્રીજા અમ્પાયરને નિર્ણય રિફર કરતાં પહેલાં મેદાન પરના અમ્પાયરે બીજા અમ્પાયર સાથે મસલત કરીને પોતાનો નિર્ણય આપવાનો રહે છે જેને સોફ્ટ સિગ્નલ કહે છે. તે પછી ત્રીજા અમ્પાયર આ મેટરને અનેક એંગલ પરથી જુવે છે અને જો તેને મજબૂત પુરાવા મળે તો પછી તે મેદાન પરના નિર્ણયને ફેરવી નાખે છે. જોકે ઘણી વાર ત્રીજા અમ્પાયરને પૂરતા પુરાવા મળતાં નથી તેવા સંજોગોમાં તે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને માની લે છે.

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી૨૦માં વિવાદ થયો હતો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટી૨૦ મેચમાં ભારતીય દાવ દરમિયાન જ્યારે સુર્યકુમાર યાદવ ૫૭ રન પર બેટિંગ કરતો હતો ત્યારે તેણે સેમ કરનના બોલ પર સ્કૂપ શોટ માર્યો હતો. બોલ ડીપ ફાઇન લેગ પર ઊભેલા મલાન પાસે ગયો હતો અને તેણે કેચ લીધો હોવાનો દાવો કર્યો હતો. જોકે આ કેચ ક્લીન ન હતો તેથી મેદાન પરના અમ્પાયરે ત્રીજા અમ્પાયરની મદદ માંગી હતી. જોકે આ અગાઉ નિયમ પ્રમાણે તેણે સૂર્યકુમારને આઉટ આપ્યો હતો. તો પછી ત્રીજા અમ્પાયરે ઘણા એંગલથી ટીવી રિપ્લે જોયું પરંતુ કેચ પકડાયો હોવાનો કોઈ સ્પષ્ટ પુરાવો મળ્યો ન હતો. તેમ છતાં ત્રીજા અમ્પાયરે સૂર્યકુમારને આઉટ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter