બીસીસીઆઇના એવોર્ડ સમારંભમાં ભારતીય ક્રિકેટ ટીમના તારલાઓનું સન્માન

Friday 20th March 2026 06:23 EDT
 
 

મુંબઇ: વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી-જુદી પાંચ આઇસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની સાથે સાથે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા મેન્સ ટીમનું પણ સન્માન થયું હતું. ગત વર્ષે વન-ડે વર્લ્ડ કપ જીતનારી ભારતની મહિલા ટીમને એવોર્ડથી નવાજવામાં આવી હતી. જ્યારે ગત વર્ષે આઈસીસી અંડર-19 મહિલા વર્લ્ડ કપ અને ચાલુ વર્ષે આઈસીસી પુરુષ વર્લ્ડ કપ વિજેતા ટીમની ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈના વર્ષ 2024-25ના એવોર્ડ સમારંભમાં ભારતીય ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલને અને મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો હતો. ભારતીય ક્રિકેટના ધુરંધર રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, હર્ષિત રાણાને બેસ્ટ ડેબ્યુ એવોર્ડ, દીપ્તિ શર્મા અને સ્મૃતિ મંધાનાને 2024-25માં વન ડેમાં અનુક્રમે સૌથી વધુ વિકેટ અને સૌથી વધુ રન બદલ એવોર્ડ એનાયત કરાયા હતા. બરોડાના નિત્ય પંડયાને અંડર-19 કૂચબિહાર ટ્રોફી 2024-25ના એલિટ ગ્રૂપમાં સૌથી વધુ રન ફટકારવા બદલ એમ.એ. ચિદમ્બરમ્ ટ્રોફી અપાઇ હતી. ભારતીય ક્રિકેટના મોટાભાગના સિતારા આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter