નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા વર્ષ 2025-26 માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરાઇ છે. આ યાદીમાં સૌથી મોટો ફેરફાર દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ગ્રેડમાં જોવા મળ્યો છે. અગાઉ ગ્રૂપ A+ (પ્લસ)માં સ્થાન ધરાવતા આ બંને ખેલાડીઓને હવે ગ્રૂપ-3માં મુકવામાં આવ્યા છે.
બીસીસીઆઇએ જાહેર કરેલી નવી યાદીમાં કુલ 30 પુરુષ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માનું ડિમોશન થયું છે. જ્યારે બીજી તરફ, હાલના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલ, સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બઢતી આપીને ગ્રૂપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે.ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ગ્રૂપ-Bમાં સ્થાન મળ્યું છે. જ્યારે મહિલા ક્રિકેટની વાત કરીએ તો, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ પોતાનું સ્થાન જાળવી રાખતા ટોપ ગ્રેડ (ગ્રૂપ-A)માં જગ્યા મેળવી છે.


