બેંગ્લોરને વિજય અપાવતો કોહલી-ડીવિલિયર્સનો ઝંઝાવાત

Saturday 23rd April 2016 08:02 EDT
 
 

પૂણેઃ વિરાટ કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપનું ફોર્મ આઇપીએલ સિઝન-નવમાં જાળવ્યું છે. ૨૨ એપ્રિલે રમાયેલી મેચમાં કોહલીએ એબી ડીવિલિયર્સ સાથે મળીને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને ૧૩ રને પરાજય આપ્યો હતો.
કોહલી અને ડીવિલિયર્સે આક્રમક અડધી સદી ફટાકારવા ઉપરાંત ૧૫૫ રનની ભાગીદારી નોંધાવીને પૂણેને ૧૮૬ રનનો મુશ્કેલ આપ્યો હતો. જવાબમાં પૂણેનો દાવ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૨ રનમાં સમેટાયો હતો. પૂણે તરફથી અજિંક્ય રહાણેએ અડધી સદી ફટકાર્યા બાદ અંતિમ ઓવર્સમાં થિસારા પરેરાએ ૧૩ બોલમાં ૩૪ રનની તોફાની ઈનિંગ્સ રમ્યો હતો. આમ છતાં તે પૂણેને પરાજયમાંથી બચાવી શક્યો નહોતો.
મેન ઓફ ધ મેચ ડીવિલિયર્સ ૪૬ બોલમાં છ બાઉન્ડ્રી અને ચાર સિક્સરની મદદથી ૮૩ રનની આક્રમક ઈનિંગ્સ રમ્યો હતો. કોહલીએ સાત બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી ૬૩ બોલમાં ૮૦ રન કર્યા હતા. બેંગલોરે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે કુલ ૧૮૫ રનનો સ્કોર ખડક્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની પૂણે ટીમનો આ સળંગ ત્રીજો પરાજય છે.
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના મેદાનમાં રમાયેલી મેચમાં કપરા લક્ષ્યાંક સામે પૂણેની ટીમે શરૂઆતથી જ હથિયાર હેઠા મૂકી દીધા હોય એમ તેમની બેટિંગ ઘણી ધીમી રહી હતી. ઓપનર અજિંક્ય રહાણેએ ૬૦ રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે ધોનીએ સંઘર્ષપૂર્ણ બેટિંગ કરી હતી. અંતમાં પરેરા અને રજત ભાટિયાએ ટીમને વિજય અપાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે એમાં તેઓ સફળ રહ્યા નહોતા. પૂણેનો ઈનફોર્મ બેટ્સમેન ફાફ ડુપ્લેસિસ માત્ર બે રન કરીને આઉટ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter