ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીમાં રચાશે નવા કીર્તિમાન

Wednesday 24th January 2024 07:20 EST
 
 

નવી દિલ્હી:અફઘાનિસ્તાન શ્રેણીની સમાપ્તિ બાદ હવે ટીમ ઇંડિયા ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ રમવાનું છે. બન્ને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સીઝનની દૃષ્ટિએ ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણી ખૂબ જ મહત્ત્વની છે.
એન્ડરસન અને અશ્વિન પર નજર
આગામી ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર એન્ડરસન અને ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઉપર ખાસ નજર રહેશે. આ બન્ને દિગ્ગજ ટેસ્ટમાં મોટા માઇલસ્ટોન મેળવવાની ખૂબ જ નજીક છે. ખાસ વાત તો એ છે કે બન્નેને કીર્તિમાન રચવા માટે 10-10 વિકેટની જરૂર છે. હકીકતમાં જેમ્સ એન્ડરસન 700 ટેસ્ટ વિકેટથી માત્ર 10 વિકેટ દૂર છે જ્યારે અશ્વિનને 500ના આંકડે પહોંચવામાં 10 વિકેટની જરૂરિયાત છે.
અશ્વિને અત્યાર સુધીમાં 75 ટેસ્ટ મેચમાં 490 વિકેટ લીધી છે. આ દરમિયાન અશ્વિને 34 વખત ઇનિંગમાં પાંચ અથવા તેનાથી વધારે વિકેટ લીધી છે. બીજી તરફ એન્ડરસનનાં નામે 183 ટેસ્ટ મેચમા 690 વિકેટ છે. એન્ડરસને 32 વખત પાંચ કે તેથી વધારે વિકેટ લીધી છે. 41 વર્ષીય એન્ડરસન 700 વિકેટ લેનારો દુનિયાનો ત્રીજો અને પહેલો ફાસ્ટ બોલર બનશે. મુથૈયા મુરલીધરન અને શેન વોર્નએ પણ 700 વિકેટનો આંકડો ક્રોસ કર્યો હતો.
ભારત 1987થી ઘરઆંગણે સુપર પાવર
ભારતીય ટીમે વર્ષ 1987થી ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં સુપર પાવર તરીકેનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે. ભારત ફેબ્રુઆરી, 1987માં પાકિસ્તાન સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટની શ્રેણીમાં 0-1થી હાર્યું હતું. જોકે ત્યાર બાદ ઘરઆંગણે રમાયેલી 53માંથી માત્ર 3 જ ટેસ્ટ શ્રેણીમાં હરીફ ટીમ જીતવામાં સફળ રહી છે. આ પૈકીની 41 ટેસ્ટ શ્રેણીમાં ભારત વિજેતા બન્યું છે અને 9 ટેસ્ટ શ્રેણી ડ્રો રહી છે.
આ સમયગાળામાં ભારતને ઘરઆંગણે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જ હરાવી શક્યા છે.
ફેબ્રુઆરી-2000માં સાઉથ આફ્રિકાએ ભારત પ્રવાસમાં બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. ત્યાર બાદ ઓક્ટોબર-2004માં શરૂ થયેલી ચાર ટેસ્ટની શ્રેણી ઓસ્ટ્રેલિયા 2-1થી જીતી હતી. જ્યારે 2012માં ઈંગ્લેન્ડે ભારતની ભૂમિ પરની ચાર ટેસ્ટની શ્રેણી 2-1થી જીતી હતી.
સ્લેજિંગ કરી કોહલીને ઉશ્કેરોઃ પાનેસર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ શ્રેણીનો તારીખ 25મી જાન્યુઆરીથી હૈદરાબાદમાં પ્રારંભ થવાનો છે. તે અગાઉ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓએ માઈન્ડ ગેમ શરૂ કરી દીધી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર અને ભારતમાં 2012માં શ્રેણી જીતનારી ટીમના સભ્ય એવા ભારતીય મૂળના મોન્ટી પાનેસરે કહ્યું છે કે, ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટ શ્રેણી દરમિયાન સ્લેજિંગમાં જરાય પાછી પાની કરવાની જરૂર નથી. સ્ટોક્સ એન્ડ કંપનીએ કોહલીને કહેવું જોઈએ કે, 'તમે તો ચોકર્સ છો'.
અગાઉ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર સ્વોને કહ્યું હતુ કે, 2012ના ભારત પ્રવાસ વખતે અમને તો કોહલીને સ્લેજિંગ ન કરવાની સલાહ આપી હતી. જોકે, તે જ શ્રેણીમાં ઈંગ્લેન્ડને યાદગાર વિજય અપાવવામાં ભારતીય મૂળના સ્પિનર મોન્ટી પાનેસરની ભૂમિકા મહત્વની રહી હતી. પાનેસરે જ હવે ઈંગ્લેન્ડની ટીમને સલાહ આપી છે કે, કોહલીને જંગી સ્કોર ખડકતો અટકાવવા માટે તેને સ્લેજિંગ કરી ઉશ્કેરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter