ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને રાજકોટના વતની દિલીપ દોશીનું નિધન

Thursday 26th June 2025 06:52 EDT
 
 

લંડનઃ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી.
1947માં રાજકોટ ખાતે જન્મેલા દિલીપ દોશીને 32 વર્ષની વયે ભારત માટે ટેસ્ટ રમવાની તક મળી હતી અને તેમણે પોતાની પહેલી જ ટેસ્ટમાં ચેપોક ખાતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટ ખેરવી દીઘી હતી. 33 ટેસ્ટની કારકિર્દીમાં દોશીએ 114 વિકેટ ઝડપી હતી અને 28મી ટેસ્ટ દરમિયાન તેમણે કારકિર્દીની 100 વિકેટ પૂરી કરી હતી.
એ અરસામાં કપિલ દેવ સાથે મળીને તેમણે ભારતને કેટલીક ટેસ્ટમાં વિજય પણ અપાવ્યો હતો. તેઓ રણજી ટ્રોફીમાં બંગાળ માટે 62 મેચ રમ્યા હતા અને ત્યાર બાદ વતન પરત ફરીને સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં રમ્યા હતા.
જોકે તેમણે મોટા ભાગના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઇંગ્લેન્ડમાં રમ્યા હતા. તેઓ વોરવિકશાયર અને નોટ્ટિંગહામ કાઉન્ટી માટે અનુક્રમે 43 અને 44 એમ કુલ 87 કાઉન્ટી મેચ રમ્યા હતા. એકંદરે 238 ફર્સ્ટ કલાસ મેચમાં દિલીપ દોશીએ 898 વિકેટ ઝડપી હતી. જેમાં 43 વાર તેમણે ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવી હતી. 1981માં ભારતે મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો તેમાં દોશીએ પાંચ વિકેટ ઝડપી હતી.
દિલીપ દોશીના પુત્ર નયન દોશી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. તેઓ પણ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ ઉપરાંત સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં રમ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter