ભારતની ધરતી પર કોહલી અને કૂક વચ્ચે કાંટે કી ટક્કર

Thursday 03rd November 2016 08:00 EDT
 
 

નવી દિલ્હીઃ વિક્રમ સંવતના આરંભ સાથે જ ભારતની ધરતી પર યજમાન ટીમ ઇંડિયા અને મહેમાન ઈંગ્લેન્ડની ટીમ ટક્કરનો તખતો તૈયાર થઇ ગયો છે. બાંગ્લાદેશમાં કારમો પરાજય સહન કરીને આવેલી એલિસ્ટર કૂકના નેતૃત્વ હેઠળની ઈંગ્લેન્ડની ટીમ માટે ઝમકદાર દેખાવ પ્રતિષ્ઠાનો સવાલ છે તો વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ ઇંડિયા માટે નંબર વનનો તાજ ટકાવવાનો પ્રશ્ન છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો સૌપ્રથમ મુકાબલો રાજકોટની ધરતી પર ખેલાશે, જે રાજકોટના આંગણે રમાનારી સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ હશે. ખંઢેરી સ્ટેડિયમ ઇંગ્લેન્ડના લોર્ડસ સ્ટેડિયમની પ્રતિકૃતિ છે. સ્ટેડિયમની ક્ષમતા ૨૯ હજાર પ્રેક્ષકોને સમવવાની છે.
યુવા અને જોશીલા કેપ્ટન કોહલીની આગેવાનીમાં ભારત ઘરઆંગણે રમી રહ્યું હોવા છતાં તેને ઈંગ્લેન્ડ તરફથી જબરજસ્ત લડતની અપેક્ષા છે. બાંગ્લાદેશના અપસેટને બાદ કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની ટીમ પણ અન્ય ટીમો કરતાં ચડિયાતી મનાય છે.

ઈંગ્લેન્ડ સામે નબળો દેખાવ

ભારતે કેપ્ટન કોહલી સહિતના બેટસમેનો અને ખાસ કરીને સ્પિનરોના સહારે ઘરઆંગણાની ટેસ્ટ શ્રેણીઓમાં દબદબાભેર સફળતા મેળવી છે. જોકે ઈંગ્લેન્ડની ટીમ સામે ભારતનો છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ કંગાળ રહ્યો છે. ભારત છેલ્લા ૧૨ વર્ષમાં ઘરઆંગણે એકમાત્ર ટેસ્ટ શ્રેણી હાર્યું છે અને તે એકમાત્ર પરાજય ઈંગ્લેન્ડ સામે થયો હતો. ઈંગ્લેન્ડે ૨૦૧૨માં રમાયેલી ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારતને ૧-૨થી પરાજય આપ્યો હતો. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની દ્વિપક્ષિય ટેસ્ટ શ્રેણી પર નજર કરીએ તો ભારતને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં વર્ષ ૨૦૦૮ પછી પહેલી વખત જીતની આશા છે. બંને દેશો વચ્ચે ૨૦૦૮ પછી છેલ્લા આઠ વર્ષમાં કુલ ત્રણ ટેસ્ટ શ્રેણી રમાઈ છે અને ત્રણેય ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ભારતને પરાજય આપ્યો હતો. હવે ભારતને નવા વર્ષમાં નવો ઈતિહાસ રચવાની આશા છે, જ્યારે ઈંગ્લેન્ડને ભારત સામેનું પ્રભુત્વ જાળવી રાખવામાં વધુ રસ છે અને તેઓએ તે દિશામાં તૈયારી શરૂ કરી દીધી છે.

ભારત ઘરઆંગણે સુપર પાવર

ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સુપર પાવર છે અને અત્યાર સુધી ભારત તેના હોમગ્રાઉન્ડ પર છેલ્લા ૧૨ વર્ષમાં એકમાત્ર સિરિઝ હાર્યુ છે. ભારત ઘરઆંગણે ૨૦૦૪માં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં હાર્યુ હતું. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટની શ્રેણી ૨-૧થી જીતી હતી. જોકે ત્યારથી લઈને અત્યાર સુધી ભારતને એકમાત્ર ઈંગ્લેન્ડે (૨૦૧૨માં) ઘરઆંગણાની ટેસ્ટ શ્રેણીમાં જ હરાવ્યું છે. બાકી આ સિવાયની તમામ ઘરઆંગણાની શ્રેણીઓમાં ભારત વિજેતા બન્યું છે અથવા તો તે શ્રેણી ડ્રો થઈ છે. તેમાંય ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ભારત ઘરઆંગણે ચાર ટેસ્ટ શ્રેણી રમ્યું છે અને ચારેયમાં વિજેતા બન્યું છે.

રાજકોટમાં પહેલી વખત ટેસ્ટ

ભારતીય ક્રિકેટ બોર્ડે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને ટેસ્ટ સ્થળ તરીકે અપગ્રેડેશન આપ્યું છે. જે પછી અહીં સૌપ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવા જઈ રહી છે. બંને દેશો વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ નવમી નવેમ્બરે રાજકોટમાં રમાનારી મેચથી થશે. નોંધપાત્ર છે કે રાજકોટના મેદાન પર અગાઉ ૧૦મી ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી૨૦ રમાઈ ચૂકી છે. અહીં બે વન-ડે પણ રમાઈ છે, જેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧૧મી જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ રમાયેલી વન ડે પણ સામેલ છે, જેમાં ઈંગ્લેન્ડ ૯ રને વિજેતા બન્યું હતું. આ પછી અહીં પહેલી વખત ટેસ્ટ મેચનું આયોજન થઇ રહ્યું છે. આ માટે સૌરાષ્ટ્રભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter