ભારતની મહિલા ક્રિકેટ ટીમે આઠમી વખતે એશિયા કપ જીત્યોઃ નક્વીના હાથે ટ્રોફી ના લીધી

Tuesday 15th September 2026 17:14 EDT
 
 

દુબઈઃ ઓપનર શેફાલી વર્માના 39 બોલમાં 68 રન અને સ્મૃતિ મંધાનાના 38 બોલમાં 57 રનની મદદથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને વિક્રમજનક આઠમી વખત મહિલા એશિયા કપ જીતી લીધો હતો.અલબત્ત પાકિસ્તાન બોર્ડના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસીન નકવી એવોર્ડ સેરેમનીમાં ટ્રોફી આપવા પહોંચી જતાં વિવાદ સર્જાયો હતો. ભારતીય મહિલા ટીમે પુરુષ ટીમની જેમ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી. સતત 10મી ફાઈનલ રમી રહેલી ભારતીય ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીચરણીએ 20 રનમાં ચાર અને દીપ્તિએ 19 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય મહિલા ટીમે આ જીત સાથે છેલ્લે 2024માં રમાયેલા એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે મળેલી હારનો બદલો પણ વાળી દીધો હતો.

ભારતીય બેટર્સનું પ્રભુત્વ

એશિયા કપ ટી-20ની ફાઈનલમાં ભારતની મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. શેફાલી અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડીએ મક્કમ બેટિંગ કરતાં 77 બોલમાં 129 રનની ભાગીદારી કરી હતી. શેફાલીએ નવ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 39 બોલમાં 68 રન ફટકાર્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાનાએ પાંચ ચોગ્ગાને ત્રણ છગ્ગા સાથે 38 બોલમાં 57 રન કર્યા હતા. આ પછી ભારતે આખરી સાત ઓવરમાં 53 રન જોડ્યા હતાં.

શ્રીચરણી-દીપ્તિની કમાલ

184ના વિરાટ પડકાર સામે શ્રીલંકાની ટીમે લડત આપવાનો પ્રયાસ કરતાં એક તબક્કે 9.2 ઓવરમાં 62/1 સ્કોર પહોંચાડ્યો હતો. દીપ્તિએ અટાપટ્ટુ (36)ની વિકેટ ઝડપતાં શ્રીલંકા બેકફૂટ પર ધકેલાયું હતુ. આ પછી તેમણે આખરી છ વિકેટ 11 રનના ગાળામાં ગુમાવી હતી. શ્રીચરણીએ ચાર અને દીપ્તિએ ત્રણ વિકેટ મેળવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter