ભારતનું ઘરઆંગણે ધબાય નમઃ ચેન્નઇમાં ઇંગ્લેન્ડે ભારતને ૨૨૭ રને હરાવ્યું

Tuesday 09th February 2021 07:56 EST
 
 

ચેન્નઈઃ ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે ભારતને ૨૨૭ રને કારમો પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં જ્વલંત દેખાવ કરનાર ભારતીય ટીમનો બીજો દાવ ૧૯૨ રનમાં સમેટાઇ ગયો હતો.  પ્રથમ દાવમાં ૨૧૮ રન કરનાર ઇંગ્લેન્ડની ટીમનો કેપ્ટન જો રુટ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

ઈંગ્લેન્ડે ભારતને આ મેચ જીતવા માટે ૪૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ભારતીય ટીમ માત્ર ૧૯૨માં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી કેપ્ટન કોહલીએ સૌથી વધુ ૭૨ રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જેક લીચે સૌથી વધુ ચાર વિકેટ ઝડપીને ભારતીય ટીમના ધબડકામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ સાથે જ ટીમ ઇંડિયાને ચાર વર્ષ બાદ ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું.
ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસને પોતાની પહેલી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને બે ઝટકા આપ્યા હતા. પહેલા તેણે શુભમન ગીલને આઉટ કર્યો અને ત્યાર બાદ અજિંક્ય રહાણેને પેવેલિયન ભેગો કર્યો. શુભમન ગીલે ૫૦ રન કર્યા હતા. આ પહેલા ચેતેશ્વર પુજારા ૧૫ રન કરીને આઉટ થયો હતો. તે સ્પિનર જેક લીચનો શિકાર બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે ૫૭૮ રનનો જંગી જુમલો ખડક્યો હતો, જ્યારે ભારતનો દાવ પ્રથમ દાવ ૩૩૭ રનમાં સમેટાયો હતો. આમ ઇંગ્લેન્ડને ૨૪૧ રનની લીડ મળી હતી ત્યાર બાદ બીજી ઈનિંગ્સમાં મહેમાન ટીમ ૧૭૮ રનમાં ઓલ આઉટ થતાં ભારતને મેચ જીતવા માટે ૪૨૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે ટીમ ઇંડિયા ટાર્ગેટના અડધા આંકને પણ આંબી શકી નહોતી.

રુટે કરી ડોન બ્રેડમેનની બરાબરી

ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી કરવા દરમિયાન કેપ્ટન તરીકે સળંગ ત્રણ વખત ૧૫૦ પ્લસ રન કરવાના ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનની બરાબરી કરી હતી. રુટે ભારત સામે ૨૧૮ રન ફટકારતા પૂર્વે શ્રીલંકા સામે ૨૨૮ અને ૧૮૬ રન ફટકાર્યા હતા. આમ તે સળંગ ત્રણ ટેસ્ટમાં ૧૫૦ પ્લસ રન કરનારો સાતમો બેટ્સમેન બની ગયો છે. આ ક્લબમાં ટોમ લાથમ, કુમાર સંગકારા, મુદસ્સર નઝર, ઝહીર અબ્બાસ, ડોન બ્રેડમેન અને વોલી હેમંડનો સમાવેશ થાય છે. તેમાં પણ સંગાકારાએ તો સળંગ ચાર ટેસ્ટમાં સદી ફટકારી હતી. રુટે ૨૧૮ રનની ઈનિંગ્સ દરમિયાન ૧૯૮૬માં ડીન જોન્સે પ્રખ્યાત ટાઈ ટેસ્ટમાં ફટકારેલ ૨૧૦ રનના રેકોર્ડને વટાવ્યો. આ દરમિયાન ગેટિંગના ભારતની ધરતી પરના ૨૦૭ રનના રેકોર્ડને પણ વટાવ્યો હતો. ભારત સામે ૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારવા દરમિયાન જો રુટ એલેક સ્ટુઅર્ટને વટાવી ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કરનારાઓમાં ત્રીજા ક્રમે આવી ગયો છે.

૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી

સ્પિનર શાહબાઝ નદીમની બોલિંગમાં એલબીડબ્લ્યૂ આઉટ થયેલા રુટે ૩૭૭ બોલનો સામનો કરીને ૧૯ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૨૧૮ રન બનાવ્યા હતા. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ બેવડી સદી નોંધાવનાર એલિસ્ટર કૂક, ભારતના રાહુલ દ્રવિડ તથા સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથની બરાબરી કરી હતી. તે પોતાની ૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી નોંધાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

ધોનીનો રેકોર્ડ જરાક માટે ચૂક્યો રુટ

ઇંગ્લેન્ડના સુકાની જોઇ રુટે ભલે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હોય પરંતુ તે ચેપોક સ્ટેડિયમમાં સુકાની તરીકે હાઇએસ્ટ રન નોંધાવનાર ધોનીના રેકોર્ડને છ રન માટે તોડવાથી વંચિત રહ્યો હતો. ધોનીએ ૨૦૧૩માં ચેપોક ખાતે સુકાની તરીકે ઓસ્ટ્રેલિયા સામે ૨૨૪ રનની ઇનિંગ રમી હતી. આ રેકોર્ડને આઠ વર્ષ થયા છે પરંતુ હજુ પણ અકબંધ છે. ચેપોકમાં ભારત તરફથી સર્વાધિક સ્કોર ઓપનર વીરેન્દ્ર સેહવાગના નામે છે જેણે સાઉથ આફ્રિકા સામે ૨૦૦૮માં ૩૧૯ રનની ઇનિંગ રમી હતી.

અશ્વિને બોથમના બે રેકોર્ડ તોડ્યા

ચેન્નઇ ટેસ્ટના ચોથા દિવસે સોમવારે ભારતીય ઓફ સ્પિનર અશ્વિને ઇંગ્લેન્ડના બીજા દાવમાં ૬૧ રનમાં છ વિકેટ ઝડપી હતી. અશ્વિને મેચમાં કુલ નવ વિકેટ હાંસલ કરી હતી. આ સાથે જ ભારતીય સ્પિનરે ઇંગ્લેન્ડના મહાન ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇયાન બોથમના બે રેકોર્ડ તોડ્યા હતા. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૭૫ ટેસ્ટમાં ૩૮૬ વિકેટ હાંસલ કરી છે. બોથામે ૧૦૨ ટેસ્ટમાં ૩૮૩ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અશ્વિને કારકિર્દીમાં ૨૮ વખત ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ હાંસલ કરી છે. આ મામલે પણ અશ્વિન બોથમની આગળ નીકળી ગયો છે. બોથમે ૨૭ વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. આ એલિટ ક્લબમાં અશ્વિન કરતાં હવે માત્ર મુરલીધરન ૯૬૭), શેન વોર્ન (૩૭), અનિલ કુંબલે ૯૩૫), જેમ્સ એન્ડરસન (૩૦) તથા ગ્લેન મેકગ્રા (૨૯) આગળ છે. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસનને સાતમી વખત આઉટ કર્યો છે.

પ્રથમ બોલે જ વિકેટ ઝડપી અશ્વિને

અશ્વિને ઇંગ્લેન્ડના બીજા દાવના પ્રથમ બોલે જ ઓપનર રોરી બર્ન્સને પેવેલિયન પરત મોકલ્યો હતો. આ સાથે ઇનિંગના પ્રથમ બોલે જ વિકેટ હાંસલ કરનાર અશ્વિન ભારતનો પ્રથમ સ્પિનર બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ સ્પિનરે ઇનિંગના પ્રથમ બોલે વિકેટ ઝડપી હોય તેવો આ ત્રીજો જ બનાવ છે. આ પહેલાં ૧૮૮૮માં બોબી પીલે તથા ૧૯૦૭માં બર્ટ વોગલેરે પ્રથમ બોલે જ બેટ્સમેનને આઉટ કર્યો હતો.

કેપ્ટન ટોમ મૂરને શ્રદ્ધાંજલિ

ચેન્નઇ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઊતર્યા હતા. તેમણે બીજા વિશ્વયુદ્ધના વેટર્ન કેપ્ટન સર ટોમ મૂરને શ્રદ્ધાંજલિ આપી હતી. મૂરનું બીજી ફેબ્રુઆરીએ ૧૦૦ વર્ષની વયે નિધન થયું હતું. મૂરે કોરોના વાઇરસની મહામારી સામેના જંગમાં બ્રિટનની સ્વાસ્થ્ય સેવાઓને મદદ કરવા માટે ચેરિટી વોક અભિયાન થકી ૩.૨૭ કરોડ પાઉન્ડનું જંગી ભંડોળ એકત્ર કર્યું હતું. બ્રિટિશ એરફોર્સે તેમના જન્મદિવસે ફ્લાય પાસ્ટ યોજી હતી. તો ૨૦૨૦ની ૧૭મી જુલાઇએ બ્રિટનનાં મહારાણીએ તેમના નાઇટહુડના પુરસ્કારથી સન્માનિત પણ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter