ભારતનું સપનું તૂટ્યું... ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન

Monday 20th November 2023 16:23 EST
 
 

અમદાવાદઃ ટીમ ઈન્ડિયાનું ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૂટી ગયું. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ફાઈનલ છ વિકેટે જીતીને છઠ્ઠી વખત ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને દાવ આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 241 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટ્રેવિસ હેડ 120 બોલમાં 137 રન ફટકારીને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા તરફથી કે.એલ. રાહુલે સૌથી વધુ 66 રન કર્યા હતા તો વિરાટ કોહલીએ 54 રનનું અને રોહિત શર્માએ 47 રનનું યોગદાન આપ્યું હતું.
ટીમ ઇન્ડિયાને હરાવનાર સાત પરિબળ
1) પાંચ બોલમાં બે વિકેટ. જબરદસ્ત ફોર્મ ધરાવતો રોહિત 10મી ઓવરના ચોથા બોલમાં શાનદાર કેચનો શિકાર બન્યો. પછી 11મી ઓવરના બીજા બોલે શ્રેયસ પણ આઉટ.
2) 98 બોલ પછી ચોક્કો. 10મી ઓવરના છેલ્લા બોલે શ્રેયસે ચોક્કો માર્યો. પછીનો ચોક્કો 27મી ઓવરના બીજા બોલમાં ફટકાર્યો અને 40 ઓવરમાં એક પણ છગ્ગો ના લાગ્યો.
3) ધીમી ગતિએ રન. શરૂઆતની 10 ઓવરમાં ભારતે બે વિકેટે 80 રન કર્યા. પછી 72 રન કરતા 20 ઓવર થઈ. છેલ્લી 10 ઓવરમાં પાંચ વિકેટ ખોઈને 43 રન બન્યા. આ વર્લ્ડ કપમાં પહેલીવાર ઓલઆઉટ.
4) નબળી ફિલ્ડિંગ. ઓસ્ટ્રેલિયાએ આખી મેચમાં 11 વધારાના રન આપ્યા જ્યારે ભારતે 18 વધારાના રનમાંથી 17 તો શરૂઆતની 14 ઓવરમાં જ આપ્યા.
5) મોટી ભાગીદારી. સાત ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પડ્યા પછી ટ્રેવિસ હેડ (137 રન) અને લબુશેન (58) ની 100 રનની ભાગીદારી.
6) 36 ઓવરમાં કોઈ વિકેટ નહીં. ભારતે ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ 43મી ઓવરે લીધી. ત્યાં સુધી હાર નક્કી હતી.
7) સ્પિનર્સ ના ચાલ્યા. જાડેજા અને કુલદીપે 20 ઓવરમાં 99 રન આપ્યા, વિકેટ ના લીધી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter